કાલાવડ પાસે હિટ એન્ડ રન: ટ્રેકટર અડફેટે બાઇક ચાલકનું પિતરાઇની નજર સામે જ મોત
કોટડા સાંગાણીના અનિડા વાછડા ગામે રહેતા બે પિતરાઈ ભાઈઓ પોતાનું બાઈક લઈને ખરેડી ગામે જઈ રહ્યા હતા ત્યારે કાલાવડના ગુંદા ગામ પાસે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો હિટ રન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું પિતરાઇ ભાઈની નજર સામે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
કોટડા સાંગાણીના અનિડા વાછડા ગામે રહેતા નિર્મલ જયંતીભાઈ વાઘેલા (ઉ.વ.20) અને તેનો પિતરાઈ મયુર દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.20) રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બાઇક લઈને ખરેડી ગામે જઈ રહ્યા હતા ત્યારે કાલાવડ તાલુકાના ગુંદા ગામ પાસે પહોંચતા અજાણ્યા ટેકટરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા બંને યુવાનો રોડ ઉપર ફંગોળાયા હતા ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક નિર્મળ વાઘેલાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક નિર્મળ વાઘેલા બે ભાઈ બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. નિર્મળ વાઘેલા પિતરાઈ મયુર વાઘેલા સાથે બાઇક લઈને ખરેડી ગામે જતો હતો ત્યારે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે હડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.