આત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રન: કારની ઠોકરે એચ. જે. સ્ટીલના કર્મચારી વૃધ્ધનું મોત
નોકરી પરથી ઘરે જતી વેળાએ અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર : સારવારમાં દમ તોડયો
શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે સપ્તાહ પૂર્વે હિટ એન્ડ રનમાં ઘવાયેલા એચ.જે.સ્ટીલના કર્મચારી વૃધ્ધનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું છે. મૃતક બાઈક લઈ નોકરીએથી ઘરે જતાં હતાં ત્યારે અજાણ્યો કાર ચાલક બાઈકને ઠોકરે ચડાવી નાસી છુટયો હતો. આ બનાવમાં પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર રૂડા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં અને દુધસાગર રોડ પર આવેલા એચ.જે.સ્ટીલમાં સ્ટોર કીપર તરીકે નોકરી કરતાં શૈલેન્દ્રભાઈ ચંદ્રશંકર ત્રિવેદી (ઉ.75) નામના વૃધ્ધ ગત તા.14ના પોતાનું બાઈક લઈ નોકરીએથી ઘરે જતાં હતાં ત્યારે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે પહોંચતાં પુરપાટ ઝડપે આવેલી અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક ત્યાંથી નાસી છુટયો હતો. આ બનાવમાં બાઈક ચાલક વિરૂધ્ધ ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે અઠવાડિયાની સારવાર બાદ આજે સવારે તેમનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પી.એમ. કરાવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેમનો પુત્ર મુંબઈ રહેતો હોય અને વૃધ્ધ એકલવાયુ જીવન જીવતાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.