આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રન, ટ્રેક્ટરે બાઈકને અડફેટે લેતાં ત્રણ યુવકના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ આણંદના આંકલાવના બામણગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતા. આ અકસ્માતની દુર્ઘટના મોડી રાત્રે સર્જાઈ હતી.
પ્રાથમિક અહેવાલ પ્રમાણે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર 3 યુવાનનોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે.મળતી માહિતી અનુસાર ત્રણેય યુવકો સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, આ દરમિયાન આ દુર્ઘટના બની હતી.
આંકલાવના બામણગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણ યુવકો રોડની સાઈડ પર ફંગોળાયા હતા. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે.. ઘટના બાદ ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.