હિટ એન્ડ રન: RO ફિટિંગ કરી પરત ફરતા આધેડનું માર્ગ અકસ્માતમાં મોત
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહયા છે ત્યારે ભારતીનગરમા રહેતા આધેડ હડાળા ગામે આરઓ ફીટીંગ કરી પરત ફરી રહયા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે આધેડના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હીટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા આધેડનુ મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા ભારતીનગરમા રહેતા જીતેન્દ્રભાઇ બાબુભાઇ ઘેડીયા નામના 48 વર્ષના આધેડ મોરબી રોડ પર આવેલા હડાળા ગામે આરઓ ફીટીંગ કરવા ગયા હતા. જીતેન્દ્રભાઇ ઘેડીયા આરઓ ફીટીંગ કરી પોતાનુ બાઇક લઇ પરત ફરી રહયા હતા ત્યારે હડાળા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા આધેડ રોડ પર ફંગોળાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
હીટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા આધેડે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક આધેડ ચાર ભાઇમા મોટા હતા અને તેમને સંતાનમા એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.