ઉપલેટામાં હિટ એન્ડ રન, કારચાલક પિતા અને બે પુત્રીને અડફેટે ચડાવી ફરાર
ઉપલેટામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે ત્રિપલ સવારી મોટર સાઈકલ પર જતાં પિતા અને બે પુત્રીને હડફેટે ચડાવતાં ત્રણેયને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ઉપલેટા પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.
ઉપલેટાના મનદીપ મીલ સામે રહેતા નરેશ હનબહાદુર સોની પોતાનું મોટર સાઈકલ નંબર જી.જે.3 જે.ડી.4121 લઈ પોતાના ઘરેથી તેના મામાના દીકરાને ત્યાં પ્રસંગે જતાં હતાં ત્યારે ઉપલેટા કોલકી રોડ લાભ-શુભ એપાર્ટમેન્ટ પાસે અજાણ્યા કાર ચાલકે નરેશના મોટર સાઈકલને ટક્કર મારી હતી. જેમાં નરેશ તેમજ તેની પુત્રી પૂજા અને નૈના બન્ને સાથે હોય ત્રણેય મોટર સાઈકલ ઉપરથી નીચે પટકાયા હતાં અને ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ કારનો ચાલક ત્યાંથી ભાગી ગયો હોય આ મામલે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
અકસ્માતના બીજા બનાવમાં ઉપલેટાના ભાયાવદરના ખારચીયા શહીદ ગામે રહેતાં ગોવિંદભાઈ રત્નાભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં ટ્રક નંબર જી.જે.3 બી.વાય.8770 ના ચાલકનું નામ આપ્યું છે. ગોવિંદભાઈના ભત્રીજા વિશાલકુમાર પોતાનું મોટર સાઈકલ નં.જી.જે.3 એચ.જી.3387 લઈ જતો હતો ત્યારે ટ્રક ચાલકે ટક્કર મારતાં વિશાલ ફંગોળાઈને વીજ પોલ સાથે અથડાયો હતો અને ગંભીર ઈજા થતાં વિશાલનું મોત થયું હતું.