સુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ગતરાત્રીના સમયે પૂરપાટ ઝડપે આવતા એક કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બે સગા ભાઈના મોત થયાં છે. અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી વિગતો અનુસાર સુરતના આઉટર રીંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રીજ પર ગઈ કાલે મોડી રાત્રે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદીને ૫ વાહનો સહીત 6 લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને એક મહિલા સહીત ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો આગળનો ભાગ આખો તૂટી ગયો હતો. આ ઉપરાંત કાર જે વાહન સાથે અથડાઈ હતી તે વાહનો માં પણ નુકસાન થયું હતું. બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. મૃતકના પરિજનના જણાવ્યાં મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતાં. કારની સ્પીડ 130થી 150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું.