શાપરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પ્રૌઢાને ઉલાળતા મોત
સુરેન્દ્રનગરમાં યુવતી અને લોધિકાના પારડીમાં યુવાને જવલનશીલ પ્રવાહી પીધું
રાજકોટમાં રહેતું દંપતી શાપરમાં વાહનની વાટ જોઈને રોડ ઉપર ઊભું હતું તે દરમિયાન પતિ લઘુ શંકા કરવા ગયા બાદ રોડ પર ઉભેલા પ્રોઢાને અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ પ્રોઢાનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા જયાબેન બટુકભાઈ પરમાર નામના 45 વર્ષના પ્રોઢા બે દિવસ પૂર્વે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં શાપરમાં આવેલ શાંતિધામ રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં પ્રોઢાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં જયાબેન પરમારને સંતાનમાં એક પુત્ર છે અને જયાબેન પરમાર પોતાના પતિ બટુકભાઈ પરમાર સાથે દીયરના ઘરે આંટો મારવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રોડ પર વાહનની વાટ જોતા બટુકભાઈ પરમાર લઘુ શંકા કરવા ગયા બાદ રોડ પર ઉભેલા જયાબેન પરમારને અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બનાવમાં સુરેન્દ્રનગરમાં રહેતી કાજલબેન સુખાભાઈ વઢીયારા નામની 22 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. જ્યારે લોધિકા તાલુકાના પારડી ગામે રહેતા જયેશ લાલજીભાઈ રાઠોડ નામના 27 વર્ષના યુવાને અકળ કારણસર ફીનાઇલ પી લીધું હતું. જ્વલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી અને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.