મેટોડામાં હિટ એન્ડ રન : વાહનની ઠોકરે કોલેજિયન યુવતીનું મોત
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડામાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં અજાણ્યો વાહન ચાલક રાહદારી યુવતીને ઉલાળી નાસી છુટતાં કોલેજીયન યુવતીનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું છે. મુળ ધારી પંથકની યુવતી મેટોડામાં માસીના ઘરે રહી કોલેજનો અભ્યાસ કરતી હતી અને આજે લેવાનારી ફોરેસ્ટની પરીક્ષામાં સુપરવિઝન કરવા માટે જતી હતી ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
મેટોડામાં બાલાજી પાર્ક પાસે માસીના ઘરે રહેતી કોલેજીયન યુવતી ક્રિષ્ના ભરતભાઈ ભારથી (ઉ.19) આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં મેટોડા ગેઈટ પાસે ચાલીને જતી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહનનો ચાલક તેને ઠોકરે ચડાવી નાસી છુટયો હતો. આ અકસ્માતમાં યુવતીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે મેટોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મેટોડા પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ક્રિષ્ના મુળ ધારી પંથકની હોવાનું અને અહિં મેટોડામાં તેના માસી ગૌરીબેન ગોસાઈના ઘરે રહી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન આજે ફોરેસ્ટ વિભાગની પરીક્ષા હોય અને મેટોડામાં વિરલ શોપીંગ સેન્ટરમાં આવેલા એકઝીબીશન સેન્ટરમાં આ પરીક્ષા લેવાનારી હોય જેમાં ક્રિષ્ના સુપરવાઈજર તરીકે હોવાથી તેણી સવારે ઉઠીને તેના માસીને કહી પરીક્ષા સેન્ટર ઉપર ચાલીને જઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહનનો ચાલક તેને ઉલાળીને નાસી છુટયો હતો. મૃતક બે ભાઈની એકની એક બહેન હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બાવાજી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે મેટોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.