ધ્રાંગધ્રામાં ‘હિટ એન્ડ રન’ : વાડીએ જતા આધેડને બાઇકે ઉલાળતા મોત
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે બુધવારે બપોરે એક માર્ગ અકસ્માતમાં 55 વર્ષીય આધેડનું મોત થયું છે. વાડીએ ચાલીને જઈ રહેલા આધેડને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા તેઓ નર્મદા કેનાલમાં પટકાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાજણવાવ ગામના રહેવાસી કેશાભાઈ ઉકાભાઈ પરમાર (ઉંમર આશરે 55 વર્ષ) પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. નર્મદા કેનાલ પાસેથી પસાર થતી વખતે સામેથી આવતા એક અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કરના કારણે કેશાભાઈ કેનાલમાં પડી ગયા હતા. આજુબાજુના ખેતરોમાં કામ કરતા મજૂરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. ગંભીર હાલતમાં તેમને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી. ધ્રાંગધ્રા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ (અઉ) નો ગુનો નોંધી અજાણ્યા બાઇક ચાલકની શોધખોળ શરૂૂ કરી છે.