હિટ એન્ડ રન: દવા લેવા જતી પુત્રીનું ડમ્પર અડફેટે પિતાની નજર સામે જ મોત
શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતી પરિણીતા ગોંડલ ખાતે પિતા સાથે દવા લેવા જઇ રહી હતી. ત્યારે ગોંડલ ચોકડી પાસે અજાણયા ડમ્પર ચાલકે પરિણીતાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ધવાયેલી પરિણીતાએ પિતાની નજર સામે ન દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતી સોનલબેન ભાવિનભાઇ સોલંકી નામની 22 વર્ષની પરિણીતા સાંજના પાંચ વાગ્યાના અરસામાં ગોંડલ ચોકડી પાસે ચાલીને જઇ રહી હતી ત્યારે અજાણયા ડમ્પર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયા તેનુ સારવાર મળે તે પૂર્વ જ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સોનલબેન બે ભાઇ બે બહેનમાં મોટી હતી અને ગોંડલ ખાતે માવતરે ધરાવે છે. 10 માસ પૂર્વે જ સોનલબેનના લાલપરીમાં રહેતા ભાવિન સોલંકી સાથે લગ્ન થયા હતા સોનલબેન તેના પિતા લક્ષમણભાઇ સાથે ગોંડલ દવા લેવા જતી હતી ત્યારે ગોંડલ ચોકડી પાસે ચાલીને જતી હતી તે દરમિયાન ડમ્પર ચાલકે ઠોકરે ચડાવતા મોત નિપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે આજીડેમ પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરી છે.