હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક વેપારીનું મોત
માર્કેટીંગ યાર્ડની દુકાનેથી રતનપર ઘરે જતાં વૃધ્ધને કાળ ખેંચી ગયો
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં બેડી માર્કેટિંગ યાર્ડના વેપારી બાઈક લઈ ઘરે જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વેપારી વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા રતનપર ગામે સાંગાણીનગરમાં રહેતા અને બેડી માર્કેટિંગ યાર્ડમાં કરિયાણાની દુકાન ધરાવતા કામેશ્વરભાઈ રામજીભાઈ જોષી નામના 71 વર્ષના વૃદ્ધ પોતાનું બાઈક લઈ બેડી ગામ પાસેથી પસાર થઈ થયા હતા.
ત્યારે અજાણ્યા વાહન ચાલકે કામેશ્વરભાઈ જોષીના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો હતો ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ 108 ને જાણ કરતાં 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કામેશ્વરભાઈ જોષીને જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધને સંતાનમાં બે પુત્ર છે. અને કામેશ્વરભાઈ જોષી બેડી માર્કેટીંગ યાર્ડમાં કરીયાણાની દુકાન ધરાવતા હતા અને દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.