હિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોત
જેતપુરમાં બનેલો બનાવ : નેપાળી પ્રૌઢે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન
જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતાં નેપાળી પ્રૌઢ સહકર્મીની દવા લેવા ચાલીને જતાં હતાં ત્યારે જેતપુરમાં ખીરસરા રોડ પર અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત નિપજ્તાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જેતપુરમાં ખીરસરા રોડ પર આવેલા સાડીના કારખાનામાં કામ કરતાં સાધુમલ્લા તુફાનીમલ્લા નામના 45 વર્ષના નેપાળી પ્રૌઢ કારખાનાની બાજુમાંથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રૌઢે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢ ચાર ભાઈ બે બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. સાથે કામ કરતાં કર્મચારીની દવા લેવા જતાં હતાં ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.