હિરાસર એરપોર્ટ ઉપર અંતે સીસીટીવી કેમેરા લાગ્યા
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર સુરક્ષાના છીંડા બુરવા અધિકારીઓને મળેલા આદેશ બાદ કેમેરા ફિટિંગ કરાયા
વડાપ્રધાન નરેન્દ્રમોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન બાદ ખાટલે મોટી ખોટ જેવી અનેક ખામીઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડીંગ સહિત 80 જેટલા કેમેરા લગાવ્યા છતાં બંધ પડી જતાં ભારે આશ્ર્ચર્ય સર્જાયુ હતું. સીસીટીવી કેમેરા વિહોણું બનેલું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અંતે તિસરી આંખનો સહારો મળ્યો છે. ઉચ્ચ અધિકારીઓને આ બાબતે મિડિયામાં આવેલા અહેવાલ બાદ તાત્કાલીક સીસીટીવી કેમેરા લગાવવા માટે હુકમ કરવામાં આવતા હાલ હિરાસર એરપોર્ટ ખાતે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. અતિસંવેદન સીલ ગણાતા અને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈપણ ચુક ન ચાલે તેવા એરપોર્ટમાં અત્યાર સુધી કેમેરા જ ચાલુ ન હતાં. જે બાબતના સમાચારો ગુજરાત મિરરમાં પ્રસિધ્ધ થયા બાદ હવે અધિકારીઓને તાત્કાલીક કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવતા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂકરવામાં આવી છે.
હિરાસર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગ તેમજ એરપોર્ટના પ્રવેશ અને એક્ઝિટ સહિતના ટર્મિનલ બિલ્ડીંગમાં કેમેરા લગાવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા કોઈકારણસર કેમેરા લગાવવા બાબતે નિરસ્તા દાખવવામાં આવી હોય અને આ કારણે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉભા થયા હતાં. અગાઉ કેમેરાનું મોનીટરીંગ અને રિપેરીંગ સહિતનો કોન્ટ્રાક્ટ સીએનએસ વિભાગને સોંપાયો હતો. પરંતુ કોઈ કારણસર કેમેરા લગાવવામાં ઢીલ થતાં આ મામલે સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. જે અંગેના અહેવાલો મીડિયામાં પ્રસિધ્ધ થયા બાદ હવે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂકરવામાં આવી છે.