હિરાસર એરપોર્ટ બનતા ગરીબોનો આશરો છીનવાયો
15થી 16 ગરીબ લોકો ‘ઉપર આભ નીચે ધરતી’ જેવી દારૂણ સ્થિતિમાં પટકાયા, વૈકલ્પિક જગ્યા આપવા માંગ
શહેરની ભાગોળે આવેલા કુવાડવા નજીકના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ત્યારે અમુક ગરીબોના ઝૂંપડા પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. અને જે તે સમયે વૈકલ્પિક જગ્યા આપવાની તંત્ર એ ખાતરી આપી હતી. પરંતુ આજ સુધી આવા ગરીબોને કોઈ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મકાન માટે તંત્રએ કોઈ સહકારન આપતા આશરે 15થી 16 ગરીબ લોકો ઉપર આભ અને નીચે ધરતી જેવી દારુણ પરિસ્થિતિમાં પટકાઈ ગયા છે.
આવા ગરીબોને તાત્કાલિક કાચું મકાન બાંધી આપવા માંગણી થઈ છે.હરેશભાઈ સામતભાઈ સોલંકી, બચુભાઈ નરસિંહભાઈ મોરવાડિયા, ભગાભાઈ બચુભાઈ મોરવાડિયા તેમજ પરેશભાઈ બાબુભાઈ મોરવાડિયા એમ ચારેય ગરીબ પરિવારના મોભીઓએ રેવન્યુ વિભાગ, મામલતદાર, કલેક્ટર તેમજ એરપોર્ટ ઓથોરિટીને રજૂઆત કરીને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂૂપે કોઈ સ્થળે જગ્યા ફાળવીને કાચા મકાન બનાવી દેવા માગણી કરવામાં આવી છે.
ઉપરોક્ત ગરીબ પરિવારજનો કહે છે કે મકાન તોડી પાડવામાં આવતા ચોમાસુ મહામહેનતે પસાર કરવામાં આવ્યું છે. ઘરવખરી સાથે રોડ ઉપર તંબુ બાંધીને અત્યારે જીવન જીવી રહ્યા છે. ત્યારે લાગતા વળગતા સરકારી તંત્ર તાત્કાલિક આ ગરીબ પરિવારોને મકાન બાંધી આપે તેવી રજૂઆત કરવામાં આવી છે.