પોતાનું હીર ઝળકાવી ઓફિસર બનતા હિરલ વ્યાસ
- તેઓ ક્યારેય નહીં ભૂલે કે પરીક્ષામાં સફળ થવા ત્રણ વર્ષ સુધી પોતે દીકરાને મોટો થતા નથી જોયો
- મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હિરલબેન લગ્ન બાદ જીપીએસસી પરીક્ષા આપી સફળ બન્યા
‘જી.પી.એસ.સી. ની પરીક્ષા વખતે મનમાં એટલો તો નિશ્ચય હતો જ કે સફળ થઈશ તો પ્રથમ ક્રમાંકે જ થઈશ,એટલે જ્યારે પરિણામ આવતું ત્યારે પ્રથમ નામ વાંચીને જ આગળનું રીઝલ્ટ વાંચવાનું છોડી દેતી અને અંતે ખરેખર ત્રીજા પ્રયત્નમાં પ્રથમ ક્રમાંક સાથે જ સફળ થઈ. અત્યારના યુવાનોને એટલું જ કહેવાનું કે જલ્દીથી નિરાશ ન થાવ.ગીવ અપ ના કરો, કારણકે જે વિચારશો તે જ થશે માટે મક્કમ નિર્ધાર અને સકારાત્મક સોચ સાથે પરીક્ષા આપો.પરિણામ તમને આકાશની બુલંદી ઉપર પહોંચાડશે’ આ શબ્દો છે હાલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હિરલ અમિત વ્યાસના.
તેણીનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણમાં થયો, ત્યારબાદ શાળાકીય અભ્યાસ રાજકોટ સિસ્ટર નિવેદિતા સ્કૂલમાં અને બી .કોમ. એમ.જે.કુંડલિયા કોલેજમાં કર્યું. માતા-પિતા અને બે બહેનોના નાના પરિવારમાં દીકરા-દીકરીના ભેદ વગર ઉછેર થયો. સંગીતમાં પણ વિશારદની પદવી મેળવી અને બેચલર ઈન પર્ફોર્મિંગ આર્ટ્સ પણ કર્યું. વર્ષ 2001માં જુડોની રમતમાં રાષ્ટ્રકક્ષાએ તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બી.કોમ.માં પણ તેઓએ સમગ્ર યુનિવર્સિટીમાં રેન્ક મેળવ્યો છે. સ્પોર્ટ્સમાં રેસલિંગ, જુડો, બોક્સિંગ વગેરેમાં વધુ રસ હતો ગ્રેજ્યુએશન થયા બાદ પિતાજીની એવી વિચારસરણી કે દીકરી સાસરે ગયા બાદ તેમની ઈચ્છા મુજબ નોકરી કરે અથવા તો ઘર સંભાળે.
રાજકોટમાં લગ્ન થયા અને ઘરમાં સાસુ,સસરા, નણંદ બધા જ નોકરી કરતા હતા.સાસુ રિટાયર ટીચર છે અને સસરા રિટાયર મામલતદાર છે. હિરલબેને પણ લગ્ન બાદ ક્લાસ થ્રીની પરીક્ષા આપી, આમ સરકારી અધિકારી તરીકે તેમની સફર શરૂૂ થઈ. 2012 થી 2014 રાજકોટ જિલ્લા તિજોરી કચેરી ખાતે ઓડિટર તરીકે તેમજ 2014 થી 2019 સુધી આર.ટી.ઓ. કચેરી - રાજકોટ ખાતે તેમણે ફરજ બજાવી.2019માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક સાથે ૠઙજઈની પરીક્ષા પાસ કરી હાલ મોરબીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા મોરબી જિલ્લો સંભાળી રહ્યા છે.
સ્પોર્ટ્સ,કલ્ચર,ખેલ મહાકુંભ કલા, મહાકુંભ, યુવા ઉત્સવ, બાળ પ્રતિભા શોધ, શાળાકીય રમતોત્સવ નું આયોજન, શિબિર, ગ્રૂમિંગ, ઇન્ટરવ્યૂ અંગે માર્ગદર્શન તાલીમ શિબિર વગેરે એક્ટિવિટી કરવાની જવાબદારી તેઓના શિરે છે.અહીં સુધી પહોંચવાની હિરલબેનની સફર પરિશ્રમ થી સભર છે.તેઓ ક્યારેય નહીં ભૂલે કે પરીક્ષામાં સફળ થવા ત્રણ વર્ષ સુધી દીકરાને મોટો થતા નથી જોયો.દીકરાથી દૂર રહ્યા હતા. હાલ દીકરો 12 વર્ષનો છે.તેઓનો પરિવાર રાજકોટમાં રહે છે અને પોતે મોરબીમાં ફરજ બજાવે છે.દરેક જવાબદારી અને કામગીરીમાં પોતાનું સો ટકા આપનાર હિરલબેનનું સ્વપ્ન છે કે હું જે ડિપાર્ટમેન્ટમાં છું ત્યાં મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવું અને સરકારી યોજનામાં હું મારું યોગદાન આપી શકું.હિરલબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દરેક મહિલાએ સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે, "દરેક મહિલાએ સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂૂરી છે. ક્યારેક એવો સમય આવે તો સ્વબચાવ તેમજ અન્યનો બચાવ પણ કરી શકે એટલું પાવરફુલ બનવું જરૂૂરી છે. કોઈ માઈન્ડસેટ એવા ન રાખો કે એક મહિલા તરીકે હું આ નહીં કરી શકું કે મારાથી નહીં થાય. તમે તમારુ બેસ્ટ આપશો તો દુનિયા ભરોસો જરૂર કરશે.”
સફળ કામગીરી
તેમની સફળ કામગીરી પણ જાણવા જેવી છે.
* વર્ષ 2001માં રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણના હસ્તે સમગ્ર ભારતમાંથી તેમને ‘બાલશ્રી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
* 2009માં તેઓ ‘વિદ્યા રત્ન’ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.
* 2019-20માં મોરબીના જિલ્લા કલેકટરના હસ્તે તેમણે શ્રેષ્ઠ મહિલા અધિકારી તરીકેનું સન્માન પણ મેળવ્યું છે.
* યુવા વિકાસ અધિકારી તરીકે તેઓએ આંતરરાષ્ટ્રીય ,રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની અનેક કાર્યક્રમોની જવાબદારી બખૂબી નિભાવી છે.
* તેમણે આંદામાન નિકોબાર ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
* આંતરરાષ્ટ્રીય માધવપુરનો મેળો, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ, રાષ્ટ્રકક્ષા યુવક મહોત્સવ, જયપુર લોક રંગોત્સવ વગેરે જેવા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યા છે.