GPSCને હાઈકોર્ટના અણિયારા સવાલ, પેપર સેટ કરનારા લાયક છે કે નહીં?
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી પરીક્ષાઓના પ્રશ્નપત્રોમાં સતત ભૂલો અને વિસંગતતાઓ સામે આવતા અને તેના કારણે અનેક કાયદાકીય અરજીઓ થતાં, ગુજરાત હાઇકોર્ટે રાજ્યની આ ટોચની ભરતી એજન્સી પાસેથી આઠ મુદ્દા પર સ્પષ્ટતા માગી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેનો હેતુ રાજ્યના શિક્ષિત પરંતુ બેરોજગાર યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો છે, જેથી ભવિષ્યમાં પેપર સેટર્સની યોગ્યતા કે પ્રૂફરીડિંગની ખામીઓ અંગે કોઈ પ્રશ્નો ન ઊભા થાય.
જસ્ટિસ નિરઝાર દેસાઈએ GPSCના ક્લાસ-ઈં અધિકારીને 11 ડિસેમ્બર સુધીમાં સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે, જેમાં પેપર સેટર્સ અને નિષ્ણાતોની લાયકાત તથા તેમની પસંદગી અંગે GPSC પાસે કોઈ લેખિત નીતિ છે કે કેમ? વિષયવાર પેપર સેટર્સનો પૂલ છે અને તેમની માન્યતા અવધિ કેટલી છે? પ્રશ્નપત્રોનું પ્રૂફરીડિંગ કરવામાં આવે છે કે નહીં? તેમજ જો કોઈ પેપર સેટરની બેદરકારીને કારણે ભૂલો થાય, તો તેમની સામે કયા પગલાં લેવામાં આવે છે (જેમ કે તેમને ડીબાર કરવા)? સહિતના સવાલોના જવાબ માંગ્યો છે.
અગાઉ, GPSCએ પેપર સેટર્સની માહિતી ગોપનીયતાના કારણોસર આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, હાઇકોર્ટે ટકોર કરી હતી કે જો કોઈ પેપર સેટર્સ અથવા નિષ્ણાતો બેદરકાર કે અયોગ્ય જણાય, તો કમિશન તેમના નામ છુપાવીને તેમને કોઈ મુક્તિ (immunity) આપી શકે નહીં, સિવાય કે તે વ્યક્તિઓને ભવિષ્યની પરીક્ષાઓ માટે ફરીથી ધ્યાનમાં લેવામાં ન આવતા હોય. આ સમગ્ર કાર્યવાહી GPSCની ક્લાસ-ઈં અને IIની પરીક્ષામાં વિસંગતતાઓને લઈને ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી વિવિધ અરજીઓના જવાબમાં હાથ ધરવામાં આવી છે.