કર્મચારીને કાયમી કરવાના નીચેની કોર્ટના હુકમને યથાવત રાખતી હાઇકોર્ટ
ઉના નગરપાલીકાના કર્મચારીને કાયમી કરવાના જૂનાગઢ મજુર અદાલતના હુકમને પડકારતી ઉના નગરપાલીકાની અરજી રદ કરી હાઇકોર્ટે જૂનાગઢ મજુર અદાલતના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ ઉના નગરપાલીકામાં વર્ષ 2000 થી રોજમદાર તરીકે કામ કરતા કર્મચારી ગોવિંદભાઈ જીવાભાઈ મેવાડાએ કાયમી કરવાની માંગણી કરતા તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા હતા.
જેથી ગોવિંદભાઈ મેવાડાએ જુનાગઢની મજુર અદાલતમાં નોકરીમાં પુન:સ્થાપનનો કેસ કર્યો હતો. જે કેસ જુનાગઢની મજુર અદાલત સમક્ષ ચાલી જતા લેબર કોર્ટ દ્વારા કામદારને તેમની મુળ જગ્યાએ સળંગ નોકરીમાં પુન:સ્થાપન કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે ઉના નગરપાલીકાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. જે અરજીમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી સળંગ નોકરી બાબતે મનાઈ હુકમ આપેલ હતો. પરંતું કામદારને પુન:સ્થાપન કરવા અંગે કોઈ મનાઈ હુકમ આપેલ ન હોવાથી કામદારને નોકરીમાં પુન:સ્થાપીત કરવાના થતા હોવાથી ઉના નગરપાલીકાએ પુન:સ્થાપીત કરેલ હતાં.
પરંતું તેઓને કાયમી કરવામાં ન આવતા આ કામદારે ફરીને જુનાગઢની મજુર અદાલત સમક્ષ ડીમાન્ડ કેસ દાખલ કર્યો હતો. જે ડીમાન્ડ કેસ ચાલતો હતો તે દરમ્યાન ઉના નગરપાલીકાએ દાખલ કરેલ સ્પે.સિવીલ એપ્લીકેન પણ રદ કરવામાં આવી હતી અને અરજદારની નોકરી સળંગ ગણવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કામદારનો ડીમાન્ડ કેસ ચાલી જતા કામદારને કાયમી કરી કાયમી કર્મચારીઓના લાભો ચુકવી આપવા હુકમ કર્યો હતો. જે જૂનાગઢ મજુર અદાલતના હુકમને પડકારતી ઉના નગરપાલીકાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. જે અરજીની સુનવણી થતાં ગુજરાત હાઈકોર્ટ દ્રારા ઉના નગરપાલીકાની સ્પે.સી.એ. રદ કરી . જુનાગઢ મજુર અદાલતનો હુકમ કાયમ રાખ્યો હતો.
આ કેસમાં કામદાર વતી રાજકોટના સિનિયર એડવોકેટ જી. આર. ઠાકર, ગાર્ગીબેન જી. ઠાકર, જીંકલબેન રૈયાણી, મિલનભાઈ દુધાત્રા, કૃપાલ ઠાકર અને એ.જી. ઠાકર રોકાયા હતા.
