સેવન્થ ડે સ્કૂલને 10 ટકા બાળકોને નજીવી ફી થી ભણાવવા હાઇકોર્ટનું સૂચન
અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. આ મામલે શાળાને આપવામાં આવેલી નોટિસ સામે હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે શાળાને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અને સુરક્ષા વ્યવસ્થા સુધારવા આદેશ આપ્યો છે. આ સાથે 10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફી મા પ્રવેશ આપવા સૂચન કર્યું છે.
કોર્ટે શાળાને સૂચન કર્યું છે કે મૃતક વિદ્યાર્થીની યાદમાં શાળામાં 10% બાળકોને RTE (શિક્ષણનો અધિકાર) ની જેમ પ્રવેશ આપવામાં આવે. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ શાળામાં RTE ના નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમાં સફળતા મળી નથી. શાળાએ મૃતક વિદ્યાર્થીની યાદમાં સ્કોલરશીપની જાહેરાત કરી હોવાની પણ કોર્ટને જાણકારી આપી હતી.
હાઇકોર્ટે જણાવ્યું કે શાળા સેફ્ટી પોલિસીનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. શાળાએ CCTV કેમેરા અને વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે.કમિટી અને સુધારા: DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) દ્વારા રચાયેલી કમિટીમાં મૃતક વિદ્યાર્થીના વાલી પણ સામેલ થઈ શકશે અને તેઓ સુધારાત્મક સૂચનો આપી શકશે.
શાળા તરફથી હાજર થયેલા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. અગાઉ, 19 ઓગસ્ટે ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 10ના અન્ય વિદ્યાર્થીએ છરી મારી હત્યા કર્યા બાદ DEO એ શાળાને નોટિસ આપી હતી. આ નોટિસ સામે શાળા હાઇકોર્ટ પહોંચી હતી, જ્યાં કોર્ટે શાળાને તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો છે.આ કેસની વધુ સુનાવણી હવે 24 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. કોર્ટ આ ઘટનામાંથી શું શીખી શકાય તે અંગે સતત સુનાવણી ચાલુ રાખી રહી છે. આ મામલે કોર્ટ હવે શાળાને ફરીથી ફિઝિકલ મોડમાં શરૂૂ કરવા અંગે પણ વિચારણા કરશે