અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
ગોંડલ કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકારતા પિતા બાદ પુત્રની પણ મુશ્કેલી વધી
ગોંડલ તાલુકાના રીબડા ગામનાં અમિત દામજીભાઈ ખુંટનાં ચકચારી આપઘાત પ્રકરણમાં સંડોવાયેલા રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા બાદ તેના પુત્ર રાજદિપસિંહ જાડેજાની મુશ્કેલી વધી છે. પોલીસ ધરપકડની દહેશતે રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરૂૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજાની સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ હાઇકોર્ટ દ્વારા પણ રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ રીબડાનાં અમિત ખુંટ સામે રાજકોટનાં એ ડીવીઝન પોલીસ મથકમા દુષ્કર્મની ફરીયાદ નોંધાય હોય જેનાં બીજા જ દીવસે અમિત ખુંટે આપઘાત કરી લીધો હતો અમિતે આપઘાત પુર્વે લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમા રીબડાનાં અનિરૂૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ અને દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર યુવતી સહીતના નામ આપ્યા હતા. તમામ વિરુધ્ધ ગોંડલ તાલુકા પોલીસમા આપઘાત માટે મજબુર કરવા અંગેનો ગુનો નોંધાયો હતો.
તપાસમા જુનાગઢનાં રહીમ મકરાણીનુ નામ પણ ખુલ્યુ હતુ. ચકચારી બનેલા અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં સંડોવાયેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ પોલીસ ધરપકડની દહેશતે ગોંડલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ગોંડલ સેશન્સ કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો હતો જેથી ગોંડલ સેશન્સ કોર્ટના હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી હાઇકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ પણ પોલીસ ધરપકડની દહેશતે ગોંડલ સેશન્સ કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પોતાના વકીલ મારફતે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલમાં મૃતકે આરોપીઓ સામે અવાજ ઉઠાવ્યો એટલે, તેને દુષ્કર્મ અને પોક્સોના ખોટા કેસમાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૃપે ફસાવી દવામાં આવ્યો હતો.
ચાર્જશીટ મુજબ, અનિરૂૂધ્ધસિંહ જાડેજાએ જૂનાગઢવાળા રહીમ મકરાણીનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલો આરોપી રહીમ મકરાણીનો ડ્રાઈવર છે. આ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની સાથે રહીમ મકરાણી અને અતા ઉલા પણ ભાગેડુ છે. આરોપી રાજદીપસિંહ સહિતના આરોપીઓના ગુનાહિત કૃત્યનો પર્દાફાશ મૃતકના હાથે લખાયલી સ્યુસાઈટ નોટમાં થઇ જાય છે, જે પરથી આરોપીઓ વિરૃધ્ધ ખૂબ જ ગંભીર પ્રકારનો પ્રથમ દર્શનીય ગુનો બનતો હોઈ તેમ જ કેસની તપાસ ચાલુ હોઈ આરોપીને કોઈ પણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ હાઇકોર્ટે આજે આરોપી રાજદીપસિંહના આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.