હત્યા કેસમાં સજા માફીની અપીલ ફગાવતી હાઇકોર્ટ
રાજકોટમાં 15 વર્ષ પહેલા કારખાનેદારે પ્રેમિકા સાથે જીવન વિતાવવા પોતાનું મૃત્યુ થયુ હોવાનું સાબિત કરવા અન્ય વ્યક્તિની હત્યા કરી લાશ સળગાવી દીધી’તી
રાજકોટ કોર્ટે વર્ષ 2010માં ચુકાદો આપતા આરોપી વિમલ રામાણી અને તેની પ્રેમિકાને હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેના માટે કોર્ટે 58 સાહેદો અને પુરાવાઓ તપાસ્યા હતા. જેમાં વિમલ રામાણીએ જેલમાં 15 વર્ષ કાપતા બાકીની સજા માફ કરવા રાજ્ય સરકારને અરજી કરી હતી. જો કે રાજ્ય સરકારે તેની અરજી નકારી નાખી હતી. સરકારના નિર્ણયને કેદી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
કેસને વિગતે જોતા આરોપી વિમલ રામાણીના ભાઈએ જ પોલીસ ફરિયાદ આપી હતી. જે મુજબ ફરિયાદી અને વિમલ રામાણી પોતાની ઇમિટેશન જેવલરીની ફેક્ટરીથી ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે વિમલ રામાણી એક ધાર્મિક કામથી ફેક્ટરીમાં જવાનું છે. તેમ કહીને ફેક્ટરીમાં પરત ફર્યો હતો. પરંતુ ઘણા સમય સુધી ભાઈ પાછો ન આવતા ફરિયાદી ભાઈ ફેક્ટરીએ ગયો હતો. જે ખોલતા ત્યાં ધુમાડો હતો અને એક વ્યક્તિને ગળું વાયરથી દાબેલું હતું, તેમજ તેની બળેલી લાશ પડી હતી.
જે સંદર્ભે ફરિયાદીએ તેના ભાઈ વિમલ રામાણીની હત્યા થઈ હોવાની પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસવા બહાર આવ્યું હતું કે આ સંપૂર્ણ ઘટના લગ્ન બાહ્ય પ્રેમ સંબંધનું પરિણામ હતી. જેમાં ઉગજ તપાસમાં બહાર આવ્યું હતી કે મૃતક વ્યક્તિ વિમલ રામાણી નહીં, પરંતુ એક બાબુ સલાટ નામના વ્યક્તિની હતી. જેના ખોવાયાની ફરિયાદ તેના પરિવારના વ્યક્તિએ આપી હતી. વિમલ રામાણી અને એક મહિલા બંનેના લગ્ન થઈ ગયા હોવા છત્તા, તેમના લગ્ન બાહ્ય અનૈતિક સંબંધો હતા.
પરંતુ તેમને કોઈ ઓળખી શકે નહીં અને દુનિયાથી અલગ થઈને રહેવા માટે તેમને એક પ્લાન કર્યો હતો. જે મુજબ વિમલ રામાણી જેવા જ શરીરનો બાંધો ધરાવતા વ્યક્તિને શોધીને તેની હત્યા કરીને તેનું મોઢું વિક્ષિપ્ત કરી નાખવાનું હતું. જેથી લોકોને લાગે કે વિમલ રામાણી મૃત્યુ પામ્યો છે. આમ તે અને તેની પ્રેમિકા અલગ શહેરમાં એક નવી જિંદગીની શરૂૂઆત કરી શકે.
આથી આરોપીઓએ પ્લાન પ્રમાણે કામ કર્યું હતું અને બાબુ સલાટની હત્યા કરી નાખી હતી. તેનું મોઢું કુહાડીથી વિક્ષિપ્ત કરી નાખ્યું હતું અને ડેડ બોડી સળગાવી નાખી હતી. બંને ગુન્હેગારોએ સજા પડ્યા બાદ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે તે અપીલ નકારી નાખી હતી. સમગ્ર ઘટના ત્યારે બહાર આવી હતી જ્યારે વિમલ રામાણીનો ફોટો દિલ્હીમાં એક મહિલા સાથે સામે આવ્યો હતો. વિમલનું કહેવું હતું કે મહિલા રાજકોટની હોવાથી તેને મદદ કરીને તેને સાથે રાખતો હતો. જો કે આ સંપૂર્ણ બાબત ખોટી હોવાનું પ્રોસિક્યુશનું કહેવું હતું.
15 વર્ષ જેલમાં કાપ્યા બાદ પણ વિમલ રામાણીનો રેર કેસ જોતા તેની બાકી રહેલી સજા માફ કરવાની અરજી સરકારે નકારી નાખી હતી. આ માટે ગૃહ વિભાગે પોલીસ કમિશનર ,જિલ્લા મેજિસ્ટ્રેટ અને એડિશનલ સેશન્સ જજની સલાહ માંગી હતી. જેઓએ વિમલ રામાણીની સજા માફી અંગે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. હાઇકોર્ટે પણ સરકારના નિર્ણય યોગ્ય ઠેરવીને અરજદારની અપીલ ફગાવી નાખી હતી.