હાઇકોર્ટે લાલ આંખ કરતા પોલીસે માત્ર બે કલાકમાં FIR નોંધી રજૂ કરી દીધી!
છારોડી ખાતેની જમીનના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટનો બોગસ હુકમ બનાવી મહેસૂલ સત્તાવાળાઓમાં તે રજૂ કરી તેના આધારે ખોટો ગેરલાભ ઉઠાવવાના પ્રકરણમાં તાજેતરમાં હાઇકોર્ટે સોલા હાઇકોર્ટ પોલીસને બોલાવી આ મામલે ઉધડો લઇ ખુલાસો માંગ્યો હતો.
હાઇકોર્ટના આક્રમક મિજાજ અને તાત્કાલિક ફરિયાદ નોંધવા બાબતે લાલ આંખ કરાતાં સોલા હાઇકોર્ટ પોલીસે બે જ કલાકમાં વિધિવત એફઆઈઆર દાખલ કરી તેની નકલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવી પડી હતી. જેને પગલે મૂળ ફરિયાદીએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતાં પોતાની રિટ અરજી પાછી ખેંચી હતી.
હાઇકોર્ટના બોગસ હુકમ પ્રકરણના કેસમાં મૂળ ફરિયાદી તરફ્થી હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરી અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, છારોડી ખાતેની તેમની જમીન વિવાદમાં મહેસૂલ સત્તાવાળાઓ સમક્ષ છેલ્લા ઘણા સમયથી લીટીગેશન્સ ચાલી રહ્યા હતા. હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર-1414/2018 પેન્ડીંગ હતી. આ મેટરમાં કોઇ હુકમ થયો ન હતો પરંતુ તેમછતાં આરોપીઓ દ્વારા આ મેટરમાં ઓર્ડર આવી ગયો છે અને મેટર ડિસમીસ થઇ ગઇ છે તે અંગેનો હાઇકોર્ટનો બોગસ હુકમ રેવન્યુ ઓથોરીટીમાં રજૂ કરી તેના આધારે વેચાણ દસ્તાવેજ કરી નાંખ્યો હતો.
અરજદારપક્ષ તરફથી ખુલાસો કરાયો હતો કે, આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસનો બહુ યુનિક ઓર્ડર બનાવ્યો હતો કે જેમાં કોપી ટુ કરીને કલેકટર, અમદાવાદ, એડવોકેટ વિજયકુમાર ત્રિવેદી, મહેશકુમાર પરમાર(સનોડા, દહેગામ, ગાંધીનગર) અને સીટી ડે. કલેકટર, ઘાટલોડિયાના નામોનો ઉલ્લેખ કરાયો હતો. હાઇકોર્ટના હુકમમાં કયારેય આવું કોપી ટુ લખેલુ હોતું જ નથી. આરોપીઓના આ બોગસ હુકમમાં હાઇકોર્ટના સીટીંગ જસ્ટીસની સહી પણ કરી દેવાઇ. હુકમ તા.19-6-2023નો બતાવાયો છે.