મની પ્લસ શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગાને 18 કરોડની છેતરપિંડીના કેસમાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
મની પ્લસ શરાફી મંડળીના નામથી ખોટી મંડળી ઉભી કરી સભાસદો પાસેથી 18 કરોડ રૂૂપીયા જેવી રકમ મેળવી ચાઉ કરી જવાના ગુનામાં શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગાને હાઈકોર્ટ દ્વારા જામીન મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં નાના મવા રોડ ઉપર આવેલ સત્યમ પાર્ટી પ્લોટ પાછળ રહેતા આરોપી અલ્પેશ ગોપાલભાઈ દોંગાએ વર્ષ 2012 માં મની પ્લસ શરાફી મંડળી રજીસ્ટર કરાવી મંડળી ચલાવતા હતા. મંડળીના પ્રમુખ તરીકે ફરીયાદી, તેમના સગા-સંબંધીઓ અને મિત્રોને સહકારી મંડળીમાં રોકાણ કરશે તો દર મહિને એક ટકાનું વળતર આપવામાં આવશે એવી લાલચ તથા પ્રલોભન આપી ફરીયાદી તથા રોકાણકારો પાસેથી 18 કરોડ જેવી રકમ થાપણ પેટે મેળવી મુદલ રકમ કે વળતર નહી ચૂકવી ખોટા દસ્તાવેજોના આધારે મંડળી બનાવી તમામ વ્યકિતઓ સાથે છેતરપીંડી આચરી હોવાની રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી અલ્પેશ દોંગાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
આરોપીએ સ્પેશ્યલ કોર્ટમાં કરેલી જામીન અરજી રદ થતા પોતાના વકીલ મારફત હાઇકોર્ટમાં જામીન પર મુકત થવા અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા પોલીસ દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યુ હતું કે, આરોપીએ 70 થી વધારે લોકોના આશરે 18 કરોડ રૂૂપીયા જેવી માતબર રકમ ઓળવી ગયા છે. આરોપી વિરૂૂધ્ધ અગાઉ આ પ્રકારના 7 ગુના નોંધાયેલ છે, જેથી આરોપીનો મલીન ઈરાદો જણાય આવે છે અને આરોપીને જામીન આપવા જોઈએ નહી.
આરોપીના બચાવ પક્ષે એડવોકેટ તુષાર ગોકાણીએ રજુઆત કરી હતી કે, જે કોઈ વ્યકિતઓએ શરાફી મંડળીમાં રોકાણ કરેલ છે તેમને નિયમીત રીતે એક ટકાના દરે માસિક વ્યાજ ચુકવવામાં આવતું હતુ પરંતુ આરોપીએ રકમ જે જગ્યાએ રોકાણ કરેલ હતું તે લોકોએ આરોપીને રકમ સમયસર પરત નહી આપતા વ્યાજની ચુકવણી કરવામાં મોડુ થતાં ફરીયાદીએ ઉતાવળમાં ફરીયાદ દાખલ કરી દીધી હતી જેના કારણે આરોપીના લેવાના નિકળતા પૈસા આરોપીના દેણદારોએ ચુકવેલ નહી અને આરોપીનો થાપણો સ્વીકારતી વખતે પ્રથમથી જ કોઈ મલીન ઈરાદો હોય તેવું પોલીસ કાગળોમાંથી જણાય આવતું નથી જે ધ્યાને લઈને આરોપીને જામીન મુકત કરવા રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે આરોપીને ભારત દેશની હદ નહી છોડવાની શરતોને આધીન જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી મની પ્લસ શરાફી મંડળીના ચેરમેન અલ્પેશ દોંગા વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી અને હાઈકોર્ટના એડવોકેટ વિરાટ પોપટ રોકાયા હતા.
