વાહનોને ઠોકરે ચડાવી ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટી બસના ચાલકને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી જેલ હવાલે કરાયો’તો
શહેરના ઇન્દિરા સર્કલ પાસે ઇલેક્ટ્રીક સીટી બસના ચાલકે ઓવરસ્પીડમાં બસ ચલાવી 8થી 10 વાહનોને હડફેટે લીધા હતા. જે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે અને મહિલાનું સારવારમાં મોત નીપજ્યું હતું. સપરાધ મનુષ્યવધના ગુનામાં જેલ હવાલે રહેલા બસ ચાલક શિશુપાલસિંહ રાણાની સેશન્સ કોર્ટે જામીન અરજી રદ કરતા જે હુકમથી નારાજ થઇ શિશુપાલસિંહએ હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ઇન્દિરા સર્કલ ખાતે લોકો સિગ્નલ બંધ હોવાથી સિગ્નલ ખુલવાની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે કોટેચા ચોક તરફથી મહાનગરપાલિકાની જી.જે.3 બીઝેડ 466 નંબરની ઇલેક્ટ્રીક સીટી બસ આવી પહોંચી હતી. તે પણ સિગ્નલ ખોલવાની રાહ જોઇ રહી હતી.
સિગ્નલ ખુલતા ટુવ્હિલર અને કાર ચાલકો આગળ જવા માટે પોતાનું વાહન હંકારી રહ્યા હતા. ત્યારે સિટી બસના ચાલક શીશુપાલસિંહ રાણા દ્વારા એકા એક બસને ઓવરસ્પીડમાં હંકારી 8-10 જેટલા વાહનોને હડફેટે લીધા હતા. ઓવરસ્પીડમાં આગળ જતી કારને પણ ઠોકરે ચડાવી હતી. ત્યાર બાદ એક પછી એક 3-4 લોકો પર બસના તોંતીગ વ્હીલ ફરી વળ્યા હતા. જેમાં રાજુભાઈ મનુભાઇ ગીડા , સંગીતાબેન ધનરાજભાઇ ચૌધારી અને ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઇ ભટ્ટ ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
જ્યારે કિરણબેન ચંદ્રશભાઇ કકકડ નું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કિરણબેન કકકડ, સુરજ ધર્મેશભાઇ રાવલ, વિશાલ રાજેશભાઇ મકવાણા, વિરાજબા મહાવીરસિંહ ખાચર સહિતનાઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બસ ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં બસ ચલાવી જીવલેણ અકસ્માત સર્જ્યો હોવાનું ખુલતા સપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેલ હવાલે રહેલા બસ ચાલક શિશુપાલસિંહ રાણાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. જે હુકમથી નારાજ થઈ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી જે જામીન અરજીમાં એ મતલબની રજુઆત કરવામાં આવેલ કે સદરહું ગુન્હામાં તેઓ નિર્દોષ છે પોલીસ ધ્વારા લગાવવામાં આવેલ કલમો મુજબનો કોઈ ગુન્હો બનતો નથી.
તેવા સંજોગોમાં આરોપીને જામીન મુકત કરવા જોઈએ. જેથી બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો , હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ હાઈકોર્ટ ધ્વારા શિશુપાલસિંહ દીલુભા રાણાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો. આ કામમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દીપેનભાઈ દવે , રાજકોટના ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, જય અકબરી તથા યશેશ ખેર રોકાયેલ હતા.
