હાલારના સાગર કિનારા ઉપર તંત્ર દ્વારા હાઈએલર્ટ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં એલર્ટ જારી કરી દેવાયું છે, જેની સાથે સાથે હાલારના સાગર કિનારા ઉપર પણ તંત્ર દ્વારા એલર્ટ જારી કરીને તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે સંદર્ભમાં તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. દરિયાઈ વિસ્તારમાં વાત કરવામાં આવે તો જામનગરના બેડી બંદર ઉપર બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ તેમજ મરીન કમાન્ડો સહિત ની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
બેડીમંદરના દરિયા કિનારાઓ ઉપર લાંગરવામાં આવેલી ફિશીંગ બોટ સહિતના સાધનોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બેડી મરીન પોલીસ સ્ટેશન અને મરીન કમાન્ડોની મોટી ટીમ જોડાઈ હતી, અને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિકારી પ્રતિભા, તેમજ જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી.જયવીર સિંહ ઝાલા, અને ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સુરક્ષા અભિયાનમાં એલસીબીની ટીમ એસઓજી શાખાની ટુકડી મરીન પોલીસ સ્ટેશન અને મરીન કમાન્ડોની ટુકડી જોડાઈ હતી.