For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હેલ્મેટનો કાયદો જનહિત વિરોધી, સરકારની ખામીઓ છૂપાવવાની ચાલ

03:50 PM Sep 06, 2025 IST | Bhumika
હેલ્મેટનો કાયદો જનહિત વિરોધી  સરકારની ખામીઓ છૂપાવવાની ચાલ

ફરજિયાત હેલ્મેટના નિર્ણય અંગે પુન: વિચારણા કરવા કોંગ્રેસની જિલ્લા કલેક્ટર સમક્ષ આંકડા-દાખલા અને દલીલો સાથે રજૂઆત

Advertisement

શહેરમાં અઢી વર્ષમાં અકસ્માતથી 400 લોકોના મોત, મોટાભાગના કેસોમાં ઓવર સ્પીડ અને ભારે વાહનો કારણભૂત

ટ્રાફિક પોલીસતંત્ર લોકોની સુરક્ષા માટે નહીં, દંડ વસૂલવાની મશીનરી બની ગયું, ભ્રષ્ટાચારની જડ હોવાનો કોંગ્રેસનો આરોપ

Advertisement

રાજકોટ શહેરમા આગામી સોમવારથી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતના નિયમનુ અમલીકરણ કરવામા આવનાર છે જો કે સરકારના આ નિર્ણયથી લોકોમા વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે ત્યારે હવે વિપક્ષ પણ આ બાબતે સરકારને ઘેરવામા કઈ બાકી નહીં રાખે તે નિશ્વિત છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આજે કલેક્ટરને રજૂઆતમા અનેક આધારરૂૂપ ચોકાવનારી બાબતોનોને ધ્યાને રાખી રજુઆત કરી છે અને શહેરમા હેલમેટ ફરજીયાત કાયદો સામાન્ય લોકોને હેરાનગત કરનાર ગણાવતા તે બાબતે લોકોના હિતમાં પુન: વિચારણા કરી યોગ્ય જનહિત નિર્ણય લેવા માંગ કરી હતી.

રોહિતસિંહે કલેક્ટરને કરેલી રજૂઆતમા જણાવ્યુ હતુ કે હેલમેટ ફરજિયાત કાયદો વર્ષ 2019મા સ્વ.વિજયભાઈ રૂૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે લાગુ કર્યા બાદ લોકોમાં ભારે ઉહાપો જોવા મળતા અનઔપચારિક રીતે સરકારે શહેરોમા હેલમેટ મરજિયાત કર્યાની જાહેરાત કરી હતી તો આ સરકારને વડી શું ભૂત ધૂણ્યુ કે વાહનચાલકોની સુરક્ષા યાદ આવી ગઈ! ભૂતકાળની સરકારે વિચાર્યા વગર તે નિર્ણય કર્યો હશે કે શું તેવા વેધક સવાલ કર્યા હતા ? યુવાનેતા એ આક્ષેપ કર્યા હતા કે આ નિર્ણય માત્રને માત્ર સામાન્ય લોકોને કનગડત કરવા અમલીકરણ કર્યું તેવું અમારું સ્પષ્ટ માનવું છે. અમે રાજકોટના શહેર પોલીસ કમિશ્નર અને ટ્રાફિક વિભાગના નાયબ કમિશનરને વિનંતી સાથે કહેવા માંગીએ છે કે રાજકોટમા એક વાર ટૂ વ્હિલર લઈને ચક્કર મારવા નીકળે તો વાસ્તવિકતા શું છે તેનો ખ્યાલ આવશે કે ખરેખરે હેલમેટની જરૂૂરિયાત છે કે સારા રોડ રસ્તાની ! બીજું ટ્રાફિક વ્યવસ્થા કેટલી ખાડે ગયેલી છે જેથી ટુ વ્હીલર 30કિમીની વધુની સ્પીડથી ખરેખર વાહન હંકારી શકાય તેમ છે!?. અમારું સ્પષ્ટ માનવું છે આ કાયદો સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ નથી અને નાગરિકો પર અન્યાયરૂૂપ છે.

તેમણે જણાવેલ છે કે, ખાડાઓ, અર્ધકચરા કામો અને જર્જરિત રસ્તાઓને કારણે વાહન ઝડપથી ચલાવી જ શકાતું નથી. સામાન્ય રીતે શહેરની અંદર બાઈકની ગતિ 25-30 કિ.મી.થી વધુ ઝડપે ચલાવી શકાય તેમ નથી. ભારે વાહનોને પ્રતિબંધનુ પોલીસ કમિશરનુ જાહેરનામુ હોવા છતાં પાણીના ટેન્કર, ડમ્પર, ટ્રક્સ,ખાનગી બસો શહેરમાં ગેરકાયદેસર પ્રવેશ કરે છે.

કહેવાતું સ્માર્ટસિટી રાજકોટની જૂની બજારો ખૂબ જ સાંકળી ત્યાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો છે પણ ટ્રાફિક પોલીસ ત્યા હાજર રહેતી નથી અને રોડ પર રહેલા દબાણ દૂર કરવા મનપા તંત્ર પણ મુકપ્રેક્ષક બને છે ત્યારે શહેરના રોડ પર રહેલ દબાણો હટાવવા જોઈએ અને રસ્તાઓ પર સ્મૂથલી ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા કરવી જોઈએ.

શહેરના મોટાભાગના નાના મોટા પોઇન્ટો જ્યાં ટ્રાફિક ઉદભવવાની સમસ્યા છે ત્યાં ટ્રાફિક પોલીસના કોઈ કર્મી ફરકતા પણ નથી ! આ ઉપરાંત શહેરનો 150 ફૂટ રિંગ રોડ અને મુખ્ય સર્કલો જાણે ખાનગી બસોના સ્ટેન્ડ હોય તેમ ટ્રાફિક સર્જે છે તેમ છતાં તેઓને તો કોઈ રોકટોક કેમ નહીં ! તે સવાલ છે. ફૂટપારીઓ અને સાયકલ ટ્રેક પર ચાની હોટલો અને લારીગલ્લાઓ વાળાનુંએમ દબાણ છે જે દૂર કરવા તંત્ર બે દિવસ પૂરતી ડ્રાઈવો યોજે છે જેનું કાયમી નિરાકરણ કેમ લાવવામાં આવતું નથી ! અમે અવલોકન કર્યું તે મુજબ મોટાભાગના અકસ્માતોના લોકોના મોત માટે જવાબદાર આ ભારે વાહનો હોય છે તો તે અટકાવવા ટ્રાફિક વિભાગ કેમ નિષ્ફળ જાય છે !

હાલ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં સામાન્ય નાગરિક પર હેલ્મેટ ખરીદવાનો વધારાનો બોજ પડે છે અને ટ્રાફિક દંડ થાય તો તે પણ ભારણરૂૂપ છે આથી સામાન્ય લોકોમાં અસંતોષ અને પરેશાની વધશે. સામાન્ય લોકોની હાલત શેરડી જેવી છે કે ચોમેરથી પીલાય રહ્યાની સ્થિતિ સર્જાઈ છે.

રોહિત રાજપૂતના કહેવા મુજબ અમારી ટીમ દ્વારા એક આરટીઆઈથી માહિતી માંગવામા આવેલી હતી જેમાં અનેક ચોકાવનારી બાબતો સામે આવી તે નીચે મુજબ છે.

રાજકોટ શહેર ટ્રાફિક વિભાગમાં 65% જગ્યાઓ ખાલી જે ટ્રાફિક સમસ્યાનું જડમૂળ કારણ હોય શકે છે જેથી તે ગંભીર બાબતો પર તંત્રએ ધ્યાન દેવું જોઈએ. રાજકોટના શહેર ટ્રાફિક વિભાગમા અંદાજીત કુલ 645 પોલીસ કોન્સ્ટેબલ મહેકમ છે, જ્યારે હાલ માત્ર 221 જેટલા જ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. જે હાલના સમયમા ટ્રાફિક કર્મીઓ ફરજ બજાવે છે તે પણ દાનત વગરના કામગીરી કરી રહ્યા છે તેઓને માત્ર તોડપાણીમા રસ છે.

ઉચ્ચ અધિકારી સ્તરે ખાલી જગ્યા: 2 એસીપી કક્ષાની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી છે.

મોટાભાગના ટ્રાફિક બ્રિગેડરો ટ્રાફિક નિયમનની જવાબદારીને બદલે પોલીસ વિભાગનુ કમાવાનુ મુખ્ય માધ્યમ બની ગયુ છે જે ભ્રષ્ટાચારનુ જડમુળ છે જેથી સરકારે કાયમી બ્રિગેડરોની ભરતી કરવી જોઈએ.

ટ્રાફિક બ્રિગેડરોનો વેતન ખૂબ ઓછું હોવા છતા નોકરી માટે કેમ પડાપડી થાય તે પણ અગત્યનો મુદ્દો છે કે ભ્રષ્ટાચારથી કેટલુ ખદબદે ટ્રાફિક તંત્ર !

રાજકોટવાસીઓની સ્પષ્ટ મત છે કે અમે ટ્રાફિકના તમામ નિયમો પાલન કરવા તૈયાર છીએ પરંતુ પહેલા ટ્રાફિક વિભાગ પોતે સરકારના નિયમો મુજબ કામગીરી કરી નિયમોનુ પાલન કરી શકશે અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવશે ત્યારે ! જો સરકાર અને તંત્ર આ મુદ્દે નાગરિકોને રાહત આપે તેવા સકારાત્મક નિર્ણય નહીં લે તો અમારી ટીમ દ્વારા લોકશાહી ઢબે અલગ અલગ રચનાત્મક વિરોધ કાર્યક્રમો અને વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને તંત્રને નિર્ણય લેવા મજબૂર કરીશું તેવી ચિમ્મકી પણ વિદ્યાર્થીનેતાએ ઉચ્ચારી હતી.

લીગલ ટીમ ટોકન ચાર્જથી કેસ લડશે
સોમવારથી હેલમેટનો કાયદો અમલમાં આવી રહ્યો છે ત્યારે હેલમેટ સત્યાગ્રહ સમિતિ હેલમેટના કાયદા વિરૂધ્ધ મેદાનમાં આવી છે. હેલમેટ સત્યાગ્રહ સમિતિમાં એક જ દિવસમાં 60 થી વધુ વકીલો જોડાયા છે અને લીકલ સમિતિએ જણાવ્યું છે કે જો કોઈપણ નાગરિકને પોલીસ મેમો આપી દંડ કરશે તો જેટલા પણ કેસો થશે તમામ ટોકન ચાર્જથી આવા લોકોના કેસો લડી આપવામાં આવશે. આ ટોકન ચાર્જ નિ:શુલ્ક જેવો જ રખાયો છે. તેમ લોકોને એક મેમો આપે છે તેની પાછળ 10 થી 15 હજારનો ખર્ચ કરે છે ત્યારે માત્ર 500ના ટોકન દરથી લીગલ સમિતિ ગમે તેટલા કેસો લોકો ઉપર થશે તે પણ લડી આપશે. તેવું જણાવ્યું છે.

હેલ્મેટ સાચવવું પણ મોટી સમસ્યા

હેલ્મેટ ફરજિયાત કાયદો મેટ્રો શહેરોમાં અને હાઇવે પર યોગ્ય હોઈ શકે છે, જ્યાં સ્પીડ 70-80 km/h સુધી જાય છે. રાજકોટ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ નથી તેથી કાયદો જનહિત વિરોધી સાબિત થાય છે. નાનામોટા કામકાજ માટે જતાં લોકોને હેલ્મેટ રાખવું/સાચવવું મોટી સમસ્યા બને છે. કોલેજ વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે હેલમેટ ઓફિસ કે કોલેજમા અંદર લઈ જવા ના દેતા હોવાથી હેલ્મેટ ચોરી થવાના કિસ્સાઓ અગાઉ બન્યા છે જે બાબત પણ ધ્યાને લીધા જેવી છે.

ઓવરસ્પીડ અને ભારે વાહનોના કારણે જ જીવલેણ અકસ્માતો સર્જાય છે
રોહિતસિંહ રાજપૂતે આર.ટી.આઇ.ના આંકડા રજૂ કર્યા છે જે મુજબ વર્ષ 2023માં 476 અકસ્માત કેસ નોંધાયા તે પૈકી અંદાજીત 167 લોકોના મોત થયા છે, વર્ષ 2024માં 416 અકસ્માત કેસ નોંધાયા તે પૈકી અંદાજિત 155 લોકોના મોત થયા છે, જયારે વર્ષ 2025 (જૂન સુધી) 212 અકસ્માત નોંધાયા જે પૈકી અંદાજિત 78 લોકોના મોત થયા છે. આંકડા સાબિત કરે છે કે મોટા ભાગના અકસ્માત વાહનોની ઓવરસ્પીડ અને ભારે વાહનોના કારણે થાય છે. તંત્ર આ બંને બાબતે કડકાઈથી નિયમોની અમલવારી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. રોહિતસિંહે આંકડાકીય વિગતો સાથે શહેરની ટ્રાફિક વિભાગની બેદરકારી અને દંડ વસૂલાતની નરી વાસ્તવિકતા રજૂ કરી હતી.તેઓએ વિશેષ જણાવ્યુ હતુ કે લોકોના મૂળ પ્રશ્નો હલ કરવાને બદલે દંડનો બોજ આપવાની તંત્રની ચાલ એ સરકારની ખામીઓ છુપાવવા માટે જ છે.શહેરના રસ્તાઓની દયનીય હાલત, રોડ પર દબાણો,ટ્રાફિક મેનેજમેન્ટમાં કચાશ અને ભારે વાહનોના બેફામ પ્રવેશ વચ્ચે હવે હેલ્મેટ ફરજિયાતના નામે કરોડોના દંડોના ટાર્ગેટ પૂરા કરવા સામાન્ય લોકોને હેરાન કરવા ખૂબ જ શરમજનક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement