ચાલુ વરસાદે હેલ્મેટ ડ્રાઈવ, અડધા દી’માં 2571 દંડાયા
પોલીસ અને ટુ વ્હિલર વાહનચાલકો વચ્ચે ઠેર ઠેર બબાલ, ‘હેલ્મેટ નહીં જ પહેરીએ’નો બગાવતી સૂર
સવારથી 48 પોઈન્ટ ઉપર પોલીસ ડંડા લઈને ગોઠવાઈ ગઈ, બપોરે 12 વાગ્યા સુધીમાં 9.21 લાખનો દંડ ફટકાર્યો
રાજ્યમાં વધતાં જતાં અકસ્માતોમાં ટુ વ્હીલ ચાલકોના મૃત્યુ આંકને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા દાખલ થયેલી સુવોમોટો બાદ હેલમેટના કાયદાનો કડક અમલ કરાવવા સરકારને કડક આદેશ આપ્યા બાદ ગૃહ વિભાગે આજથી ફરજિયાત શહેરી વિસ્તારમાં પણ હેલમેટની અમલવારી અંગે મેગા ડ્રાઈવ ઝુંબેશ શરૂ કરી હતી. સવારથી જ રાજકોટ શહેરમાં વરસાદની વચ્ચે પોલીસ દ્વારા હેલમેટ અંગેની મેગા ડ્રાઈવ યોજી હતી. શહેરના અલગ અલગ 48 પોઈન્ટ ઉપર ટ્રાફીક પોલીસ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ચેકીંગ માટે ઉતરી પડી હતી. બપોરે 12 વાગ્યા સુધીમાં ટ્રાફીક પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ ચેકીંગ કરીને 2571 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આ મેગા ડ્રાઈવ દરમિયાન 648 વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપર 3.24 લાખ જ્યારે 1923 વાહન ચાલકોને ઈ-ચલણ આપી 9.21 લાખનો દંડ વસૂલ કરી કુલ 2471 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉપરાંત પોલીસે સરકારી કચેરીઓની બહાર પણ વિશેષ ડ્રાઈવ રાખી હતી. જેમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે 23, પોલીસ હેડકવાર્ટર ખાતેથી 19, એસપી ઓફિસ ખાતેથી 32 અને બહુમાળી ભવન ખાતેથી 40 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સુચનાથી શહેરી વિસ્તારનાં નાગરિકોની માર્ગ સલામતી અંગેની સુરક્ષા અન્વયે ટ્રાફીક શાખાના ડીસીપી ડો.હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ મેગા ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં શહેર પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ કરી હતી. હેલમેટ નહીં પહેરનાર વાહન ચાલકો ઝપટે ચડયા હતાં. ત્યારે વાહન ચાલકોએ દંડ વસૂલ કરવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યુ હતું. ઘણા લોકોએ પોલીસ સાથે માથાકુટ કરી હોવાના પણ બનાવો બન્યા હતાં.
હેલમેટની ડ્રાઈવમાં પ્રથમ દિવસે જ મોકાણ સર્જાઈ હતી. ઘણા વાહન ચાલકોએ પોલીસને જેલમાં નાખી દો તો પણ હેલમેટ નહીં જ પહેરીએ તેવી દલીલ કરતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું. શહેર પોલીસ અને ટ્રાફીક પોલીસ દ્વારા યોજાયેલી આ હેલમેટની ડ્રાઈવમાં શહેરનાં રૈયા ચોકડી, માધાપર ચોકડી, બેડી ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી, આજી ડેમ, અમુક સર્કલ, સોરઠીયાવાડી, ભક્તિનગર સર્કલ, ભુતખાના ચોક, ત્રિકોણબાગ, એસ્ટ્રોન ચોક, કાલાવડ રોડ, યુનિ.રોડ, કિશાન પરા ચોક, જામટાવર ચોક, હોસ્પિટલ ચોક, ડીલકસ ચોક, ઈન્દીરા સર્કલ, મુંજકા ચોકડી તથા કટારીયા ચોકડી સહિતના શહેરને જોડતાં માર્ગો ઉપર પોલીસ હેલમેટ ચેકીંગ માટે ઉતરી પડી હતી. 48 પોઈન્ટ ઉપર પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને અડધા દિવસ એટલે કે બપોરે 12 વાગ્યા સુધીમાં 2471 વાહન ચાલકો ઝપટે ચડયા હતાં.
ટ્રાફીક પોલીસ અને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હેલમેટને લઈને ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફીક પોલીસે સરકારી કચેરીની બહાર ચેકીંગ કર્યુ હતું. તેમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતેથી 23, પોલીસ હેડકવાર્ટર પાસેથી 18, એસ.પી.કચેરી ખાતેથી 32 અને બહુમાળી ભવન કચેરી ખાતેથી 40 મળી કુલ 140 વાહન ચાલકો સામે હેલમેટ નહીં પહેરવા બાબતે કાર્યવાહી કરી હતી.
સલામત સવારી માટે હેલમેટ જરૂરી: ડો.હરપાલસિંહ જાડેજા
રાજકોટ શહેર ટ્રાફીક શાખાના ડીસીપી ડો.હરપાલસિંહ જાડેજાએ આ અંગે મીડિયાને માહિતી આપતાં જણાવ્યું કે, હેલમેટનો કાયદો 1988ની સાલથી અમલમાં છે. પરંતુ કયાંક અત્યાર સુધી તેની અમલવારીમાં કચાસ રહી ગઈ હોય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં દાખલ થયેલ જાહેર હિતની અરજી બાદ હવે હેલમેટનો નિયમ કડક પણે અમલી બનાવવા કોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસીપી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજકોટનાં નાગરિકો જાગૃત છે અને તેઓ કાયદાનું પાલન કરશે. સાવચેતી માટે હેલમેટને આદત બનાવવી જરૂરી છે. મોટાભાગે વાહન અકસ્માતોની વધતી જતી ઘટનાઓમાં મૃત્યુઆંક વધી રહ્યો છે અને ટુ વ્હીલના અકસ્માતોમાં હેમરેજ જેવી ગંભીર ઈજાથી વાહન ચાલક મૃત્યુને ભેટે છે. નાગરિક તરીકે તકેદારીના પગલા લેવા જરૂરી છે. રાજકોટ ટ્રાફીક શાખા દ્વારા હેલમેટના કાયદા દ્વારા અમલ પૂર્વે અત્યાર સુધીમાં 3000 જેટલા હેલમેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હોય લોકોને ડીસીપી હરપાલસિંહ જાડેજાને અપીલ કરી હતી કે દંડ ભરવા કરતાં 500ના હેલમેટનો ખર્ચ કરી મહામુલી જીંદગી નાગરિકો બચાવી શકે છે જેથી હેલમેટ જરૂરથી પહેરો.
ગોળી મારી દો, હેલ્મેટ નહીં પહેરું; હેલ્મેટથી વાળ ખરી જાય છે
‘એ.કે. 7 લઈને રાખો અને ગોળી મારી દો’
‘ખાવાના પણ ઘટે છે તો હેલમેટ કયાંથી ખરીદવી ?’
‘ફાંસીએ ચડાવી દ્યો, કાં બંદૂકનાં ભડાકે દઈ દયો’
‘રોડ રસ્તા સરખા કરો, પછી જ હેલમેટ પહેરશું’
જેલમાં જવા તૈયાર દંડ તો નહીં જ ભરીએ
માથામાં હેલમેટ ફીટ થતું નથી
કમરમાં તકલીફ છે
કાયદાનો બધાને સરખો અમલ કરાવો
302 લગાડો હેલ્મેટ નથી પહેરવું
શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો નથી
શાકભાજી લેવા જવું તો હેલ્મેટ કેમ સાચવવો
હેલ્મેટથી માથામાં ખોળો થાય છે વાળ વયા જાય છે
હેલ્મેટ તો પહેરવાના જ નથી કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરે
માથામાં દુર્ગધ આવે છે, વાળ ખરી જાય છે
મોટર સાઇકલ પણ હાકીશું અને હેલ્મેટ નહીં પહેરીએ સરકારને બંદુક ફોડવી હોય તો અમારી સામે ફોડે