આગામી 24 કલાકમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં આહવામાં 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, વઘઈમાં 7.7 ઈંચ અને સુબીરમાં ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન હવે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આ સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.