ભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો
સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. RTE હેઠળ બંધ સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો. શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની તપાસ કર્યા વગર જ RTE પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો. માહિતી અનુસાર, દેલાડવા ગામમાં બંધ પડેલી ખાનગી શાળામાં RTE ના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો. વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયેલી સાઉથ ઇન્ડિયન મોર્ડન સ્કૂલ બંધ હોવાનો ખુલાસો ત્યારે થયો જયારે વાલી શાળા પર એડમિશન માટે પહોંચ્યા.
મળતી માહિતી અનુસાર, ખાનગી સ્કૂલ દ્વારા સમયસર લોનની ચૂંકવણી ન થતાં બેંકે સીલ મારી દીધું હતું, બેંકે 1.66 કરોડની રિકવરીની નોટિસ આપી સીલ માર્યું હતું. જયારે વાલીઓ સ્કૂલે દાખલા માટે પહોંચ્યા ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો. સ્કુલ બંધ થવાની વિગત બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા. RTE હેઠળ દેલાડવા ગામે આવેલી સાઉથ ઇન્ડિયન મોર્ડન સ્કૂલ પસંદ કરાઈ હતી, પરંતુ આ શાળાને સીલ મારી દેવામાં આવ્યું હતું. આ હકીકત બહાર આવતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.DEOએ આ અંગે સ્પષ્ટતા કરી કે નવા કર્મચારીની ભૂલના કારણે શાળાની પસંદગી કરાઈ હતી. સુરતના DEO ભગીરથસિંહ પરમારે આ અંગે જણાવ્યું કે શાળાની તપાસ કરવામાં આવી છે. અમને શાળાની બેદરકારીની જાણ થતા શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે.
તેની તપાસ પણ થઈ ચુકી છે. આ ઉપરાંત શાળાના સંચાલક મંડળ પાસેથી એફિડેવિટ મેળવી લેવામાં આવ્યું છે. 1 જૂન સુધીમાં જો શાળા મૂળ સ્થળે શરૂૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવશે.તેમણે જણાવ્યું કે આ બાબતો ધ્યાનમાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓનું કોઈનું ભવિષ્ય બગડશે નહીં, જે પણ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હશે અથવા જે શાળાની માન્યતા રદ કરવામાં આવી છે એ તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ અપાવી દેવામાં આવશે, RTE હેઠળના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળાઓમાં પ્રવેશ અપાવીને તેમનું ભવિષ્ય બગાડે નહીં એ માટેની તકેદારી લેવામાં આવશે. અને આ શાળાની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.