જૂનાગઢ-અમરેલી-સોમનાથ સહિતના નવ જિલ્લામાં કાલે ભારે વરસાદ
બુધવારે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં સવારથી વાતાવરણ પલટાયું
રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ 4 મેએ પણ વરસાદ વરસ્યો હતો. 10 મે સુધી હવામાન વિભાગે ભારે પવન સાથે કરા સાથે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખિય છે કે, હાલ પાકિસ્તાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે ઉપરાંત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. આ સ્થિતિ 10 મે સુધી રહેવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.હવામાન વિભાગે આજે 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 17 જિલ્લામાં પવન અને કરાની સાથે કમોસમી વરસાદનું અનુમાન છે. 6 મે મંગળવારના દિવસે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે આ વિસ્તારમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.
આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે પવન કરા સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
મંગળવારના રોજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂૂચ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. 7 મેના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં પણ વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે.
મહીસાગર જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મહિસાગરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. લુણાવાડા, ખાનપુર, કડાણા,વીરપુર, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.
બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધાનેરા, દાંતીવાડા, ડીસા, વાદળછાયું, લાખણી, પાંથાવાડા, દાંતામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. કમોસમી વરસાદના કારણે બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે.
નોંધનિય છે કે, દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. દહેરાદૂનની સોંગ નદીમાં કમસોમી વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું છે. મસૂરીના પહાડો પર મૂશળધાર વરસાદ આફતરૂૂપ બન્યોે છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ઈન્દોરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.