ખંભાળિયામાં ભારે વરસાદથી ગરબીના સંચાલકોમાં દોડધામ
ખંભાળિયા પંથકમાં ગઈકાલે ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને છવાયેલા ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે સાંજે પાંચેક વાગ્યાથી વરસાદના ભારે ઝાપટા અવિરત રીતે ચાલુ રહેતા આશરે અડધો ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઝાપટા વરસતા વાતાવરણમાં ટાઢક પ્રસરી ગઈ હતી અને ખેતરોમાં પાકને ફાયદો થયો છે. ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 22 ઈંચ સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 32 ઈંચ પડી ચૂક્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.
ખંભાળિયા પંથકમાં ગતસાંજે વરસી ગયેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ છવાયો હતો. ખંભાળિયા તાલુકાના કોલવા, ભંડારીયા, વિંજલપર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. ગુરુવારે સાંજના આ વરસાદથી ખંભાળિયામાં જુદા જુદા વિસ્તારોમાં યોજાયેલી ગરબીના સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. આજે સવારથી વાતાવરણ ખુલ્લુ બની રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા.