ઢૂંઢિયા પીપળિયા ગામે ભારે વરસાદથી વડિયા સહિતના ગામોમાં તારાજી સર્જાઈ
સ્મશાનની દીવાલ, બેઠોપુલ સહિતમાં ધોવાણ, વોંકળો બે કાંઠે વહ્યો
જન્માષ્ટમી ના દિવસે વ્હાલા ને વધાવવા વડિયા વિસ્તાર અને વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ત્યારે ચાતક નજરે વરસાદ ની રાહ જોતા ખેડૂતો માં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ નો માહોલ જોવા મળ્યો હતો.
વડિયા ની ભાગોળે આવેલાં ઢૂંઢિયા પીપળીયા ગામે ઢળતી સાંજે મેઘરાજા ની ધમાકેદાર ઇનિંગ ના કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી બન્યો હતો. આ બાબતે સ્થાનિક લોકોનો સંપર્ક કરતા તેમને જણાવ્યા અનુસાર બે કલાક જેવા ટૂંકા સમય માં દસ ઇંચ જેટલો વરસાદ વરસતા ઢૂંઢિયા પીપળીયા ગામની મધ્ય માથી પસાર થતો મોટો વોકળો બે કાંઠે વહેતો થયો હતો તો ગામના પાદરમાં આવેલાં પુલ પરથી પાણી ફરી વળ્યા હતા અને આસપાસની દુકાનો સુધી પાણી પહોંચ્યા હતા.
આ પાણી થી ઢૂંઢિયા પીપળીયા ગામના ઘણા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું હતું સ્મશાન પાસે વોકળા ના પૂર ના કારણે સ્મશાન ની પૂર સરક્ષણ દીવાલ, બેઠો પુલ માં ભારે ધોવાણ થતા દીવાલ ધરાશય થઈ હતી તો પુલ ની સાઈડ દીવાલ તોડી પુલ નીચેથી ધોવાણ થતા આ પુલ ખુબ જ જર્જરિત હાલત માં મુકાયો હતો ત્યારે વાડિ વિસ્તાર માં જવાનો મુખ્ય માર્ગ હોવાથી ખેડૂતો દ્વારા તાત્કાલિક આ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
વડિયા વિસ્તારમાં વ્હાલાને વધાવવા આવેલાં મેઘરાજાએ ચાતક નજરે રાહ જોતા ખેડૂતો ને જન્માષ્ટમી ફળી હોય તેવો માહોલ સર્જાયો હતો તો ક્યાંક ખેડૂતોના ઉભા પાકને નુકશાન અને માંડવીના પાથરા પલળતાં પણ નુકશાની થતા ઘણા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ઢૂંઢિયા પીપળીયામાં વરસેલા ભારે વરસાદ થી થયેલી નુકશાની નો સર્વે કરી વળતર ચૂકવવા ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ વિનુભાઈ રાદડિયા દ્વારા સોશ્યલ મીડિયા માં વિડિઓ વાઇરલ કરી માંગણી કરવામાં આવી છે.