વડોદરામાં અનરાધાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું, રસ્તા પર મગર દેખાતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ વિડીયો
વડોદરામાં મેઘરાજા ઘબઘબાટી બોલાવી રહ્યા છે. શહેરમાં 13 ઈચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. આ દરમિયાન ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી નરહરિ હોસ્પિટલ નજીક મગર તણાઈ આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, લોકોએ આ મગરનું સફળ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતી.
વડોદરામાં અનધાર 13 ઈંચથી વરસાદ પડતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. આખું શહેર બોટમાં ફેરવાઇ જતાં એનડીઆરએફની ટીમ બોટ લઇને શહેરમાં રેસ્ક્યુ માટે ફરતી જોવા મળી હતી. ભારે વરસાદના લીધે વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે.
વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા કોટેશ્વર ગામ અને કાસા રેસિડન્સી સંપર્ક વિહોણી બની છે. હાલ એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.