ગુજરાતમાં માવઠાનો ડોળો, રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ, અરવલ્લી, હિંમતનગર, બનાસકાંઠામાં માવઠું : બે દિવસ કમોસમી વરસાદ સાથે અમુક સ્થળે કરા પડવાની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા સૂચના
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કાતિલ ઠંડીના દોર વચ્ચે માવઠાનો ડોળો મંડાયો છે અને ગઇકાલે મોડી સાંજે ગુજરાતમા અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાથી માવઠાની એન્ટ્રી થઇ હોય તેમ કમોસમી વરસાદ ખાબકયો હતો જયારે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમા વાદળછાયુ વાતાવરણ છવાયુ હોવાથી આજબી બે દિવસ કેટલાક જિલ્લાઓમા માવઠાની આગાહી કરવામા આવી છે. સાથોસાથ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમૂક વિસ્તારોમા કરા પડવાની પણ આગાહી કરવામા આવતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.
હવામાન વિભાગે ખેડૂતોને પાક બચાવવા માટે તકેદારી રાખવા સુચના જારી કરી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીના માલપુર, મેઘરજ,ઉભરાણ, સૂલપાણેશ્વરમાં વરસાદ મોડી રાતથી વરસી રહ્યો છે,સાથે સાથે ભિલોડાના સુનોખ,વશેરા કંપામાં પણ માવઠું પડયું છે તો બીજી તરફ પહાડીયા, સિસોદરા, કંભરોડા,બેડજ, કુંભેરા, રામગઢીમાં પણ કમોસમી વરસાદ પડયો છે. જેના કારણે ખેડૂતોના તૈયાર થયેલ પાકમાં પાણી ફરી વળ્યું છે.
મેઘરજમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.ખેડૂતો સૌથી વધુ ચિંતામાં મૂકાયામાં છે એક તરફ શિયાળુ પાકની તૈયારી તો બીજી તરફ વરસાદના કારણે બટાકા,ઘઉં અને ચણાના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે,મકાઈના પાકમાં પણ ખાસુ એવું નુકસાન જોવા મળ્યું છે.
આ ઉપરાંત ગતરાત્રે અમદાવાદના ઈસનપુર, કાંકરીયા અને મણિનગરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ અમદાવાદ ના ઈસનપુર, કાંકરીયા અને મણિનગરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો.
આ સિવાય હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે,ગાંભોઈ પંથકના ગાંભોઈ સહિત ચાંદરણી, ગાંધીપુરા, મોરડુંગરા, ચાંપલાનાર ગ્રામ્ય વિસ્તારોમા કમોસમી વાતાવરણ વચ્ચે વહેલી સવારે વરસાદી છાંટા પડી રહ્યાં છે.જ્યારે રૂૂપાલ પંથકના રૂૂપાલકંપા, બાવસર, ટીંબા કંપા, હાથરોલ ગામોમાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદી ઝાપડાં પડ્યા છે.ઘઉં, રાયડો, બટાકા સહિતના રવિ ખેતી પાકોને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારો- ઇસનપુર, મણિનગર, કાંકરિયા, રાયપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાંને કારણે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. લોકો કાર્નિવલનો કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ થોડીવાર માટે બંધ કરી દેવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.
ટેકાના ભાવે મગફળીની ખરીદીના કેન્દ્રો બંધ કરાયા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગતરાતથી જ માવઠાએ દસ્તક દેતા ખેડૂતોને તૈયાર પાક ઢાંકી દેવા તેમજ માર્કેટ યાર્ડોને માલ પલળે નહીં તે માટે તકેદારી રાખવા હવામાન ખાતાએ સુચના આપી છે જયારે કમોસમી વરસાદની શકયતા ધ્યાને લઇ રાજય સરકારે બે દિવસ મગફળી સહિતના ખરીદ કેન્દ્રો બંધ કરવામા આવ્યા છે. હાલ રાજયમા ટેકાના ભાવે મગફળી તેમજ અન્ય ખેતપેદાશોની ખરીદી થઇ રહી છે ત્યારે આ ખરીદી હાલ બંધ કરી ખૂલ્લામા પડેલો માલ ગોડાઉનમા ભરી દેવા સૂચના આપવામા આવી છે.