કાલથી 6 દિવસ માવઠાની આગાહી, માર્કેટ યાર્ડોને એલર્ટ કરાયા
સૌરાષ્ટ્ર-ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે આવતીકાલ તા. 3 મેથી ચાર દિવસ રાજ્યના 17 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા દરેક માર્કેટ યાર્ડોને ખુલ્લામાં ખેતપેદાશો નહી ઉતારવા અને માલ પલળે નહીં તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે.
રાજકોટ માર્કેટયાર્ડ ના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, વરસાદની આગાહીના પગલે અમે પાંચ દિવસના તકેદારીના પગલા લીધા છે. શેડમાં જગ્યા હોય તે મુજબ ખેડુતોને ટોકન આપીને માલ ઉતારવામાં આવશે અને ખુલ્લામાં માલ નહીં ઉતારવા સુચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં 3 થી 8 મે દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. ઉપરાંત, ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાનમાં ફેરફાર થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. આ પછી, થોડો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, 3 થી 8 મે દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. રાજ્યમાં 6 મે સુધી ભારે વરસાદની આગાહી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવી શકે છે.
દક્ષિણ ગુજરાતના માછીમારોને આવતીકાલે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં વાવાઝોડાં અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. હવે રાજ્યમાં ચોમાસા પહેલાની ગતિવિધિઓ શરૂૂ થશે. મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે, સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડશે.
6થી 8 અમુક સ્થળે ભારેથી અતિભારે વરસાદ, પ્રિમાન્સૂન એક્ટિવીટી શરૂ થશે : આંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 6થી 8 તારીખ દરમિયાન ભારે વરસાદ થશે. આ દરમિયાન પ્રિમોનસૂન એક્ટિવિટી પણ રાજ્યમાં શરૂૂ થશે. ઉત્તર ભારતના કેટલાક ભાગમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના કેટલાક ભાગમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી તારીખ 6,7 અને 8 દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખેડૂતોના બાગાયતી પાકને નુકસાન થાય એવો પવન ફૂંકાશે. આ પછી તારીખ 11થી 19 દરમિયાન રાજ્યમાં ભારે આંધી અને પવન સાથે વરસાદ થશે. આગામી દિવસોમાં અરબ સાગરમાં હળવું સાઈક્લોન બનવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ બનશે. તારીખ 12થી 14 દરમિયાન અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ શરૂૂ થશે.