સતત છઠ્ઠા દિવસે આફત વરસી, વેરાવળ, સુત્રાપાડા પંથકમાં 2 ઇંચ
મેંદરડા, કેશોદ, ગીર ગઢડા, માંગરોળ, માળિયા હાટીનામાં ભારે ઝાપટા વરસ્યા
સૌરાષ્ટ્રમાં સતત છઠ્ઠા દિવસે માવઠાનો કહેર વરસ્યો છે સમુદ્રમાં ચક્રવાત બાદ ડિપડિપ્રશેન સર્જાતા હજૂ આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયામાં કરંટથી મોટા મોજા ઉછળી રહ્યા છે તે સાથે આજે પણ દિવસભર ચોમાસુ માહોલ વચ્ચે ઝાપટાથી બે ઈંચ સુધીનો વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. એકધારા વરસાદથી મગફળી-કપાસના પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
દરિયાકાંઠાના સોમનાથ જિલ્લામાં આજે બે ઈંચ સુધીનો વરસાદ પડયો છે. તાલાલા, વેરવળ, સુત્રાપાડામાં બે ઈંચ સુધીના વરસાદથી સ્થાનિક નદી-નાળા છલકાયા છે ખેતરોમાં પાણી ભરાયા છે. જ્યારે કોડિનારમાં અડધો ઈંચ અને ગીર ગઢડા, ઉનામાં પંથકમાં હળવા-ભારે ઝાપટા પડયા છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ગતરાતના 10 વાગ્યાથી આજે સાંજના 6 વાગ્યા સુધીમાં અવિરત ધીમીધારે વરસાદ શરુ હતો, જેમાં મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયા વિસાવદર અને ગિરનાર ઉપર બે ઈંચ, જયારે માણાવદર, વંથલી, ભેંસાણમાં દોઢ ઈંચ, જયારે જૂનાગઢ શહેરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં દિવસભર ઝાપટા વરસ્યા બાદ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહ્યું છે. જેતપુર, ગોંડલ, જસદણમાં અડધો ઈંચ વરસાદ પડયો છે.
જ્યારે કોટડાસાંગાણી, ધોરાજી, જામકંડોરણા, વિંછીયા, ઉપલેટા, લોધિકામાં ઝાપટા પડતા રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હતા. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદે ખેદાનમેદાન કર્યા બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે છતા જિલ્લામાં સાર્વતિક વરસાદ પડયો હોવાના અહેવાલ મળ્યા છે. વડીયા-કુંકાવવામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. જ્યારે બગસરા, બાબરા, સાવરકુંડલા, લાઠી, ધારી, ખાંભામાં હળવા-ભારે ઝાપટા પડયા છે.
મોરબી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હળવદમાં અડધા ઈંચ જેટલુ પાણી પડયું છે. જ્યારે વાંકાનેર, મોરબી, પોરબંદરના કુતિયાણા, રાણાવાવ, હાલારના કાલાવડ, જામનગર, દ્વારકામાં પણ ઝાપટા પડયા હોવાના અહેવાલ સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, જૂનાગઢ, બોટાદ, સોમનાથ, દીવમાં યલો એલર્ટ, ગુરૂૂવારે પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ, બોટાદમાં યલો અને શુક્રવારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, સોમનાથ, ભાવનગર, દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
