ભારે વરસાદથી જળસંકટ તણાયું, રાજ્યના 206માંથી 108 જળાશયો 100 ટકા ભરાયા
સરદાર સરોવરમાં પણ 85 ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે. રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા, જ્યારે 44 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,86,387 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,32,507 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં સાવત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.86 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.78 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 62 હજાર ક્યુસેક પાણીની આવક સામે 46 હજારની જાવક, વણાકબોરી જળાશયમાં 26 હજાર ક્યુસેક પાણીની આવક સામે 26 હજારની જાવક, કડાણામાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 20 હજારની જાવક તેમજ ભાદર-2માં 16 હજાર ક્યુસેક પાણીની આવક સામે 16 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141માં 81 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 77 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.