કાલથી ત્રણ દિવસ રાજકોટ-કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી
ગરમીમાં આંશિક રાહત બાદ ફરીથી 42 ડીગ્રી ઉપર પારો જવાની શકયતા
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે. રાજ્યના હવામાનમાં પલટો આવવાની સાથે ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પણ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 15થી 17મી એપ્રિલ હીટવેવની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. એટલે આ વિસ્તારોમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે. આજે એટલે 14મી એપ્રિલના રોજ કોઈ જ પ્રકારની ચેતવણી કે એલર્ટ આપવામાં આવી નથી.
15મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ; સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 16 અને 17મી તારીખે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ; સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જે બાદના બે દિવસ કોઈ જ આગાહી આપવામાં આવી નથી.