ઉના નજીક કાળમુખા અકસ્માતમાં મૃત્યુ પામનારના નિષ્પ્રાણ દેહ ઘર આંગણે મૂકાતા હૈયાફાટ આક્રંદ
ગુજરાત મિરર, ઉના તા.21ગીર સોમનાથના ઉના નજીક બુધવારે રાત્રે સર્જાયેલા એક અતિ ગમખ્વાર અકસ્માતને કારણે કેસરીયા ગામમાં બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ યુવાનોના કાળમુખા મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના ઘરે ગુરુવારે સવારે જ્યારે તેમના નિષ્પ્રાણ દેહ પહોંચ્યા, ત્યારે હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેસરીયા ગામના હિતેશ શિંગડ (ઉં.વ. 20) પોતાના નાના ભાઈ પરિમલ શિંગડ (ઉં.વ. 11) અને કાકાની દીકરી કલુબેન (ઉં.વ. 17) સાથે પોતાની વાડીએ જઈ રહ્યા હતા. તે જ સમયે, નજીકના નાથડ ગામના ભીખાભાઈ દમણિયા (ઉં.વ. 35) પણ અન્ય બાઈક પર સોનારી ગામેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
આ સમયે કેસરીયા-સોનારી રોડ પર દીવ તરફથી તોફાની ઝડપે આવી રહેલી એક બોલેરો જીપના ચાલકે બંને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે હિતેશ, પરિમલ અને ભીખાભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું, જ્યારે કલુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અત્યંત હૃદયદ્રાવક અને કરુણ અકસ્માતની ઘટનાએ આખા પંથકને શોકસાગરમાં ડુબાડી દીધું છે. માત્ર એક જ પળમાં બે સગા ભાઈઓ અને એક પરિવારનો આધારસ્તંભ કાળના કોળિયો બની ગયા. ગુરુવારે સવારથી કેસરીયા અને નાથળ ગામમાં માતમ છવાયેલો છે, આંખોમાં આંસુની ધાર અને હોઠ પર માત્ર એક જ પ્રશ્ન : આ શા માટે થયું? ગુરુવારે સવારે ત્રણેય મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ તેમને તેમના ગામોમાં લઈ જવામાં આવ્યા હતા. કોણ કોને સધિયારો આપે, એ નક્કી કરવું મુશ્કેલ હતું. બપોરે જ્યારે ત્રણેય મૃતકોની સ્મશાનયાત્રા નીકળી, ત્યારે કેસરીયા, નાથળ અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગ્રામજનોની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. સૌથી વધુ કરુણતા નાથળ ગામના મૃતક ભીખાભાઈ દમણિયાના પરિવારમાં સર્જાઈ છે.
ભીખાભાઈના પરિવારમાં એક નાનકડો દીકરો અને એક દીકરી છે, જેમણે અચાનક પિતાની છત્રછાયા ગુમાવી છે. હજી બે દિવસ પહેલાં જ પિતાને જોયેલા આ બાળકો હવે માત્ર તેમની યાદો સહારે જીવન પસાર કરશે. માસૂમ બાળકોના ભવિષ્યની ચિંતાથી સમગ્ર ગામનું વાતાવરણ શોકાતુર બન્યું છે.