શિયાળાની શરૂઆત સાથે જ હાર્ટ એટેકનો ઉપાડો, 6ના ભોગ લીધા
યુવતી, યુવાન, પ્રૌઢ, બે પ્રૌઢા અને વકીલ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ છ લોકોના શ્ર્લાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતી, યુવાન, પ્રૌઢ, બે પ્રૌઢા અને વૃધ્ધ વકીલને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં ગુંદાડા રોડ પર આસોપાલવ રેસીડેન્સીમાં રહેતી દીશાબેન મુકેશભાઈ રામોલીયા નામની 25 વર્ષની યુવતી રાજકોટમાં વાવડી વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા તેના ભાઈ જેનીશભાઈના ઘરે હતી ત્યારે વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
બીજા બનાવમાં દૂધસાગર રોડ પર જયહિંદનગરમાં રહેતાં નૈનાબેન વિનોદભાઈ ગોહેલ (ઉ.54) રાત્રીનાં પોતાના ઘરે ખુરશી ઉપર બેઠા હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢાને હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર છે.
ત્રીજા બનાવમાં 80 ફુટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતાં શાંતાબેન સવજીભાઈ ચાવડા (ઉ.58) રાત્રીના પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાલ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અને બે માસ પૂર્વે જ શાંતાબેન ચાવડાએ બાયપાસ કરાવ્યું હતું.
ચોથા બનાવમાં મવડી મેઈન રોડ પર આવેલ સરદારનગર સોસાયટીમાં રહેતા ધનજીભાઈ પુંજાભાઈ ફળદુ (ઉ.68) રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તબીબે જોઈ તપાસી વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક વૃધ્ધ અગાઉ વકીલાતનો વ્યવસાય કરતાં હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ ઉપરાંત પાંચમાં બનાવમાં રાજકોટનાં શુકલપીપળીયા ગામે રહેતાં કિશોરભાઈ પ્રેમજીભાઈ ચારોલા નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
માવઠાના મારથી થયેલ નુકસાનની ચિંતામાં ખેડૂતનું હૃદય બેસી ગયું
રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલી સિધ્ધાર્થ નગરમાં રહેતાં અને સરધારના સર ગામે ખેતી કામ તેમજ પ્રાઈવેટ નોકરી કરતાં ભરતભાઈ ચનાભાઈ વડોલ (ઉ.40) પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક ભરતભાઈ તેના માતા પિતાનો આધાર સ્થંભ એકના એક પુત્ર હતાં અને સંતાનમાં એક પુત્ર છે. માવઠાથી ખેતીમાં થયેલ નુકસાનીની ચિંતામાં ભરતભાઈનું હૃદય બેસી ગયું હોવાનું પરિવારે જણાવ્યું છે.