હાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયા
માસ્તર સોસાયટીમાં મહિલા સોફા પર બેસી વાત કરતા હતા ને ઢળી પડયા, કોઠારિયા કોલોનીમાં પ્રૌઢાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવોના પ્રમાણ ચીંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી ભરડો લીધો હોય તેમ છેલ્લા 24 કલાકમાં મહિલા-યુવાન-પ્રૌઢ સહિત 7લોકો હૃદય થંભી જતા મોત નીપજ્યા હતા. જેમાં ટીલાળા ચોકડી પાસે ભત્રીજાના લગ્નમાં ડાંડીયારાસ રમતા આધેડનુ ઢળી પડતા મોત નિપજ્યુ હતુ. આ ઉપરાંત માસ્ટર સોસાયટીમાં રહેતા મહિલા સોફા પર બેસી વાત કરતા હતા અને અચાનક ઢળી પડયા હતા. કોઠારીયા કોલોનીના પ્રૌઢ, ગાંધીગ્રામ અને શાપર વેરાવળમાં આધેડ જયારે વેલનાથપરામાં રહેતા યુવાનનો હાર્ટએટેક ભોગ લીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા કોલોનીમાં રહેતા બિપીનભાઈ હિંમતભાઇ સિધ્ધપુરા (ઉ.વ.52) નામના આધેડ રાત્રે ઘરે હતાત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થવાની ફરિયાદ કરતા તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂૂરી કાગળો કર્યા હતા. મૃતક ફર્નિચરનું કામ કરતા હતા અને સંતાનમાં એક પુત્ર છે. ઘરના આધારસ્તંભ વ્યક્તિના મુત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
ભક્તિનગર સર્કલ નજીક માસ્તર સોસાયટીમાં રહેતા રિધ્ધિબેન રાજેશભાઈ ગંગલાણી (ઉ.વ.51) નામના મહિલા સાંજે છએક વાગ્યે ખરે સોફાપર બેઠા બેઠા ફોનમાં વાત કરતા હતા ત્યારે અચાનક નીચે પડી જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવ અંગે ભક્તિનગર પોલીસે જરૂૂરી કાર્યવાહી પુરી કરી હતી. મૃતકના પતિ સોનીકામ કરે છે અને સંતાનમાં બે દીકરી છે. પરિવારમાં ગમગીની છવાઈ હતી.
અમીનમાર્ગ પરની પંચવટી સોસાયટીમાં રહેતા અને મૂળ એમપીના હરુભાઈ ખેમાભાઈ ભુરીયા (ઉ.વ.55) નામના આધેડ ગઈકાલે ઘરે બાથરૂૂમમાં જતા હતા ત્યારે ત્યાં જ પડી જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂૂરી કાગળો કર્યા હતા. મૃતક મજૂરીકામ કરતા અને મૂળ એમપીના રહેવાસી હતા. ગઈકાલે કામેથી આવ્યા બાદ બેભાન થઇ જતા બનાવ બન્યો હતો સંતાનમાં એક પુત્ર છે. પરિવારમાં ગમગીની છવાઈ હતી.
કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ વેલનાથ પરામાં રહેતા શૈલેષભાઈ રામજીભાઈ બારૈયા (ઉં.વ.35) નામનો યુવાન ગત રાત્રે પોતાના ઘરે સુતા બાદ સવારે ઉઠતો ન હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબિબોએ તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન કલર કામ કરતો હોવાનું અને હાર્ટ એટેક આવી જતા મોત થયાનું જાણવા મળ્યું છે.
ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીનગર શેરી નં.7માં રહેતા બરકત ભાઈ કાસમભાઈ દોભાણી (ઉ.વ.55) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે બાથરૂૂમમાં અચાનક બેભાન થઇ ઢળી પડતાં તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં વચેટ અને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. હાર્ટ એટેક આવી જતા મોત થયાનું જાણવા મળ્યું છે.
મૂળ ઓરિસ્સાના વતની અને વર્ષોથી શાપર વેરાવળમાં રહેતા અને જયદીપ ઓક્સિજન કંપનીમાં નોકરી કરતા રવીન્દ્ર ભાઈ ગિરધારી ભાઈ બહેરા (ઉ. વ.54) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.