હૃદયરોગનો હુમલો: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
સુંદરમ સિટીમાં પ્રૌઢા અને ગિરનાર સોસાયટીમાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડતા મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે જીંદગી ધબકારા ચુકી ગઇ છે. જેમાં માધાપર ચોકડી પાસે સુંદરમ સોસાયટીમાં પ્રૌઢા અને ગીરનાર સોસાયટીમાં આધેડનું મોત નિપજયું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે સુંદરમ સોસાયટીમાં રહેતા પુનીતાબેન પ્રવીણભાઈ દવે નામના 50 વર્ષના પ્રૌઢા સવારના પાંચેક વાગ્યાના અરસામાન પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોકટરે મૃત જાહેર કર્યાં હતા. પરિવારજનોએ જણાવ્યું કે, પુનીતાબેન ને સંતાનમાં એક દીકરી છે. તેમના પતિ ઈલેક્ટ્રીક કામ કરે છે. પુનીતાબેન ના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં મવડી પ્લોટમાં આવેલ ગીરનાર સોસાયટીમાં રહેતા દિપકભાઇ દામજીભાઇ પરમાર નામના 53 વર્ષના આધેડને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક આધેડ ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.