હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ
રામનગરમાં કારખાનેદારની પત્ની અને માયાણીનગરમાં પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે જેમાં રામનગરમાં કારખાનેદારની પત્ની અને માયાણીનગર આવાસ કવાર્ટરમાં પ્રૌઢને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર આવેલ રામનગરમાં રહેતાં વિણાબેન વિપુલભાઈ પરમાર નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે ફરજ પરના તબીબે જોઈ તપાસી વિણાબેન પરમારનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક વિણાબેનના પતિ વિપુલભાઈ પરમાર પીપલાણા ગામે મારવેલ એન્જીનીયર નામનું કારખાનું ધરાવે છે અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં માયાણીનગર આવાસ યોજનાના કવાટર્સમાં રહેતા પ્રવિણભાઈ કરશનભાઈ પરમાર (ઉ.45) પોતાના ઘરે હતા ત્યારે રાત્રીનાં હૃદયરોગનો હુમલો આવતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક પ્રૌઢ બે ભાઈમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.