હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બે યુવાનના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી હાર્ટ એટેકના કારણે કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ બે યુવકના હદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો યુવાન પર પગરખાં બજારમાં ચપ્પલની દુકાનમાં કામ પર હતો. અને મવડી પ્લોટમાં વિનાયકનગરમાં રહેતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા મફતિયાપરામાં રહેતા અવિનાશ કાંતિલાલ વાઘેલા નામનો 31 વર્ષનો યુવાન બિગ બજાર પાછળ આવેલ પગારખા બજારમાં કામ પર હતો. ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા વિનાયકનગરમાં રહેતા શાંતિભાઈ ભીમાભાઇ ગોરસવા નામનો 30 વર્ષનો યુવાન વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ અને અપરિણીત હતો. મૃતક યુવાન શોરૂૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.