હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, વધુ બે લોકોના મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં કોઠારીયા મેઇન રોડ પર વિવેકાનંદ શેરી નં.5માં પ્રૌઢા અને બાલાજી પાર્કમાં આધેડનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યુ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર આવેલા વિવેકાનંદ શેરી નં.5માં રહેતા હંસાબેન હસમુખભાઇ ડઢાણીયા (ઉ.વ.55)પોતાના ઘરે હતા ત્યારે બપોરના સમયે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢાને સંતાનમાં બે પુત્ર છે. બપોરના સમયે સુતા બાદ પ્રૌઢાને હૃદયરોગનો હુમલો આવતા ફરી બેઠા ન થયા હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમાં કોઠારીયા મેઇન રોડ પર બાલાજી પાર્કમાં રહેતા મુકેશભાઇ રણછોડભાઇ વાઘેલા (ઉ.વ.56)મધરાત્રે છાતીમાં દુખાવો ઉપડતા બેશુધ્ધ હાલતમાં ઢળી પડયા હતા. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબુે જોઇ તપાસી આધેડનુ હાર્ટએટેકથી મોત નિપજ્યુ હોવાનુ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
