બોડી બિલ્ડિંગ-પાવર લિફ્ટિંગ માટે વપરાતા સ્ટીરોઇડ-પાવડરથી હાર્ટ-એટેકનો ખતરો
નાના જાનવરો-સગર્ભા માટે વપરાતા ઇન્જેકશનનો 20થી 30 વર્ષના યુવાનો બેરોકટોક વપરાશ કરે છે; હિપ ડેમેજ, શરીરમાં પાણી ઘટવુ, થાક, અનિદ્રા, અસ્થમા સહિતની ઘાતક બીમારીઓ થવાની શકયતા
શહેરમાં બિલાડીની ટોપની જેમ જીમ ફૂટી નીકળ્યા છે જેમાં જવા યુવા વર્ગનો ઘસારો પણ ખૂબ વધ્યો છે. બલ્કી અને હેવી બોડી બનાવવા માટે મસલ્સ ગેઇન કરવા પડે અને તેના માટે સમય લાગે. કારણ કે મસલ્સ ગેઇન કરવાની પ્રક્રિયા સ્લો અને સ્ટેડી હોય છે પણ હાલના યુવાઓમાં ધીરજ ન હોવાથી સ્ટિરોઇડના ડોઝ લઈને (સ્ટિરોઇડની સાઇકલ એટલે કે અમૂક નિયત સમયમાં સ્ટિરોઇડ લેવાના) અને અનવેરિફાઇડ પ્રોટીન પાઉડરને આડેધડ ઉપયોગ શરૂૂ થયો છે.
ત્યારે એવી પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં જાનવરો-સગર્ભા મહિલા માટે વપરાતા ઇન્જેક્શનનો બેફામ ઉપયોગ પાવર લિફ્ટિંગ-બોડી બિલ્ડિંગમાં શરૂૂ થયો છે. તેના કારણે હાર્ટએટેક આવવા સહિતની સમસ્યા ઊભી થવાની શક્યતાઓ રહેલી છે. નોંધનીય છે કે, સ્ટિરોઇડ અને ઇન્જેક્શન સહિતનો આ સામાન ઓનલાઇન પણ ખૂલ્લેઆમ વેચાઇ રહ્યો છે. આ અંગે તંત્ર કોઇ કડક પગલાં નહીં ભરે તો તેનું આગળ જતા પરિણામ ખરાબ આવવાની દહેશત છે.
સ્ટિરોઇડના ઓવરડોઝ અને અનરેગ્યુલેટેડ પ્રોટીન પાઉડરના વપરાશથી 20થી 30 વર્ષના જીમ જતા યુવાનોમાં હીપ ડેમેજ થવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ આવા કેસ વૃદ્ધોમાં જોવા મળતા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં આ બીમારી વધી રહી છે.
મેડિકલની ભાષામાં આ બીમારીને એવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે અટગ કહેવાય. હાડકાંને લગતી આ સમસ્યા કઈ રીતે શરીરમાં ઘર કરે છે. અટગ એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ એક પ્રકારનો હાડકાંનો રોગ છે. આ બીમારીમાં હાડકાંને પૂરતો રક્તપ્રવાહ મળતો નથી, તેને લીધે હાડકાંની કોશિકાઓ સૂકાઈ જાય છે અને ધીરે-ધીરે એ મરી જાય છે. કોષ મરે એને નેક્રોસિસ કહેવાય. આવું થાય ત્યારે હાડકું ધીરે-ધીરે નબળું પડે અને જો ધ્યાન આપવામાં ન આવે તો જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સુધી વાત પહોંચી શકે છે.
સામાન્યપણે આ બીમારી સૌથી વધુ હીપ જોઇન્ટમાં જ જોવા મળે છે. હીપ એક સોકેટ અને બોલને જોઇન્ટ કરીને બનેલો હોય છે. ત્યાં બ્લડ-સપ્લાય ઓછો થાય તો અટગ થાય. એવું નથી કે આ ફક્ત હીપ જોઇન્ટ્સમાં જ થાય, ઍન્કલ અને કાંડા ઉપરાંત ખભા અને ઘૂંટણમાં પણ આ સમસ્યા સર્જાઈ શકે છે, પણ શક્યતાઓ ઓછી હોય છે.
કયા પ્રકારના સ્ટિરોઇડ-ઇન્જેક્શન લેવામાં આવે છે ?
પાવર લિફ્ટિંગમા AMP (એડેનોસિન મોનોફોસ્ફેટ) ઇન્જેક્શન તરીકે લેવામાં આવે છે. સામાન્ય રીતે આ ઇન્જેક્શન રેસના ઘોડાને આપવામાં આવે છે. તેથી તેની કાર્યક્ષમતા વધી જાય છે. આ ઇન્જેક્શનને એડ્રેનલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ એડ્રેનલિક ત્રણ પરિસ્થિતમાં શરીરમાં ઉત્પન થાય છે. જ્યારે માણસને ગુસ્સો આવે ત્યારે, જ્યારે માણસને ડર લાગે ત્યારે અને માણસ ગુસ્સા અને ડરથી પરે રહી સ્પર્ધામાં ભાગ લેતો હોય ત્યારે. આ ઇન્જેક્શન નસમાં લેવાથી એડ્રેનલિક વધારે પ્રમાણમાં બહાર નીકળે છે.
જે તમને જીમમાં વધારે એક્સરસાઇઝ કરવા તથા વધારે વજન ઊંચુ કરવા પ્રેરે છે. આ ઇન્જેકશન લેવાના કારણે હાર્ટ બિટ ફાસ્ટ થઇ જાય છે. આ લેવાવાળા લોકોને પોતાના હાર્ટબિટ અંગે જાણ નથી હોતી અને એટેક આવવાનો ચાન્સ હોય છે.
ડેકા ડ્યુરાબોલીન, બોલ્ડીન: આ બન્ને સ્ટિરોઇડ છે. તેને જાનવર નાના હોય ત્યારે ઝડપથી મોટા કરવા માટે આપવામાં આવે છે. ઉપરાંત ડેકા ડ્યુરાબોલીન કેન્સરગ્રસ્તને પણ આપવામાં આવે છે જે દુ:ખાવો ઓછો કરે છે. આ સ્ટિરોઇડ લેવાથી તાકાત વધી જાય છે અને જીમમાં ગમે તેટલું વજન ઊંચુ કરો, તમારા શરીરને દુ:ખ કે દર્દનો અહેસાસ થવા દેતો નથી. આ સ્ટિરોઇડના લીધે ઊંઘ ઓછી આવવી, ઝાડા થવા સહિતના સાઇડ ઇફેક્ટ છે.
ગ્રોથ હોર્મોન ઇન્જેક્શન: સામાન્ય રીતે આ આપણી શરીરમાં ગ્રોથ હોર્મોન થતા જ હોય છે. પરંતુ તે ઉંમર મુજબ થતા હોય છે અને ધીરે ધીરે થાય છે. પરંતુ આ ઇન્જેક્શન લેવામાં આવે તો બોડી સાથે શરીરના ઓર્ગનની સાથે સાથે કિડની, લિવર, હાર્ટ મોટા થઇ જાય છે. તેથી વિવિધ તકલીફો ઊભી થાય છે. આ ઇન્જેક્શન લેતા લોકોમાં અન્ય ઓર્ગન એટલે બાયશેપ, ટ્રાયશેપ સહિતનો ભાગ મોટો લાગે છે પરંતુ સાથોસાથ લીવર અને કિડનીની પણ મોટી થઇ જાય છે જેના કારણે પેટનો ભાગ પણ બહાર નીકળે છે.
સોડિયમ અને પોટેશિયમ: બોડી બિલ્ડિંગ કોમ્પિટીશન હોય ત્યારે પીક ટાઇમ હોય ત્યારે લોકો સોડિયમ અનો પોટેશિયમ ઇન્જેક્શન લેતા હોય છે. તેથી શરીર ડ્રાય થઇ જાય છે અને મસલ્સ દેખાય છે અને પાણી ઓછું થઇ જાય છે. આના કારણે હાર્ટએટેક આવવાના ચાન્સ હોય છે.
ડ્યુરેટીક્ટ ટેબલેટ: ડ્યુરેક્ટીક ટેબલેટનો ડોક્ટરો એપરેશન પહેલાં ઉપયોગ કરે છે. આ ટેબલેટના કારણે શરીરમાંથી પાણી કાઢવામાં આવે છે. જેના કારણે બોડી ડ્રાય થઇ જાય છે. પરંતુ હાલ બોડી બિલ્ડિંગ કરતા લોકો ટેબલેટ તથા ઇન્જેક્શન લે છે. તેના કારણે તેમના મસલ્સ દેખાય છે અને શરીરનું પાણી ઓછું કરી નાખે છે. જેથી બોડી શેપમાં (મસલ ક્લિયારીટી સારી દેખાય છે) પરંતુ આ લેવાને કારણે એટેક અથવા અસ્થમા અથવા બીપી હાઇ થવાની શક્યતા રહેલી છે.
ટી થ્રી (ટેબલેટ): આ એક ટેબલેટ છે જે ફેટ કાપવામાં મદદરૂૂપ થાય છે. તેના કારણે મસલ્સ દેખાય છે અને ફેટ ઓછું થાય છે (જે ટેસ્ટીકલ એટલે વૃષણમાંથી બને છે). કેમ કે વર્ક કરતા હોવ ત્યારે ઇન્સ્યુલિન ડાઉન થાય છે. તેને વધારવા માટે લોકો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય છે.
ટેસ્ટોસ્ટેરોન : ટેસ્ટોસ્ટેરોન આપણી બોડી નેચરલ બનાવે છે અને દર વીક 70 એમએલ બનતું હોય છે. પરંતુ આ ઇન્જેક્શન લેવાને કારણે 700 એમએલ બોડી બિલ્ડર લઇ લેતા હોય છે. તેથી બોડીનો ગ્રોથ વધે છે. આ પ્રોડક્ટ લેવાને કારણે તમારું ડાઇજેશન સિસ્ટમ (હાઇ પ્રોટીન) વધી જાય છે. તેથી બોડી નેચરલી બનવાનું બંધ થઇ જાય છે.