હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ ચાર માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ
પ્રજાપતિ સોસાયટીમાં રત્નકલાકાર, બેડીપરામાં વેપારી, માંડાડુંગરમાં યુવાન અને ખંભાળામાં ટ્રેકટર ચાલકનું હૃદય બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રજાપતિ સોસાયટીમાં રત્ના કલાકાર બેડીપરામાં ખાણીપીણીના ધંધાર્થી માંડાડુંગરના યુવાન અને ખંભાળામાં ટ્રેકટર ચાલકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમા ઓમ સર્કલ નજીક આવેલી પ્રજાપતિ સોસાયટીમા રહેતા શૈલેષભાઈ જેરામભાઈ ગોંડલીયા (ઉ.વ. 51) પોતાનાં ઘરે હતા ત્યારે પરોઢીયે હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા જયા તેમનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હતુ . મૃતક આધેડને સંતાનમા ત્રણ પુત્ર છે અને હીરા ઘસી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા.
બીજા બનાવમાં વિનાયકનગરમાં રહેતાં અને ઢોસાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં અજીતભાઈ જેઠીસિંગ ડોડીયા (ઉ.55) રાત્રીનાં સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક સાતભાઈ એક બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે પુત્રી છે. અજીતભાઈ ડોડીયા ઢોસાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.
ત્રીજા બનાવમાં આજી ડેમ ચોકડી પાસે માડાડુંગર વિસ્તારમાં ભીમરાવનગરમાં રહેતાં પ્રફુલ છગનભાઈ મકવાણા નામનો 25 વર્ષનો યુવાન સવારના પોતાના ઘરે હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક યુવાન ત્રણ ભાઈમાં નાનો અને અપરિણીત હતો.
ચોથા બનાવમાં શહેરની ભાગોળે પડધરીના ખંભાળા ગામે રહેૅતાં નરશીભાઈ ગાંડુભાઈ ભોજાણી (ઉ.70) સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ખંભાડા ગામે બેચરભાઈની વાડીએ ટ્રેકટર ચલાવતાં હતાં ત્યારે ચાલુ ટ્રેકટરે હૃદયરોગનો હુમલો આવી જતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.