હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
રાજકોટમાં યુવાન અને પરિણીતા, શાપરમાાં શ્રમિક અને ધ્રોલના ખાખરામાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત
કાળઝાળ ગરમી વચ્ચે પણ હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ ચાર લોકોને હદયરોગનો હુમલો ભરખી ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં યુવક અને પરિણીતા, શાપરમાં શ્રમિક અને ધ્રોલના ખાખરામાં પ્રોઢાનુ હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે રહેતા અતુલકુમાર કેશુભાઈ આદિવાસી નામનો 19 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને અહીં કારખાનામાં કામ કરતો હતો. મૃતક બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલ ગણેશપાર્કમાં રહેતા ભાવનાબેન દિનેશભાઈ ચડોતરા નામની 44 વર્ષની પરિણીતા રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેણીને હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે સેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં શાપર વેરાવળમાં રહેતા અને મજૂરી કામ કરતા માલખાન કાશીપ્રસાદ પ્રજાપતિ નામના 54 વર્ષના આધેડને છાતીમાં દુખાવો પડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ ઉત્તર પ્રદેશના વતની હતા અને તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ચોથા બનાવમાં ધ્રોલ તાલુકાના ખાખરા ગામે રહેતા કુંતાબા શાંતુભા જાડેજા નામના 46 વર્ષના પ્રોઢાને મધરાત્રે હદયરોગનો હુમલો આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પહેલા જ કુંતાબા જાડેજાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં કુંતાબા જાડેજાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે કુંતાબા જાડેજાને અગાઉ ત્રણ વખત હાર્ટ એટેકના હુમલા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.