આરોગ્યકર્મીઓની હડતાળથી ટીબી, રસીકરણ સહિતની કામગીરી ઠપ
ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભાની તપાસ, ડિલિવરી, 0 થી 5 વર્ષના બાળકોનું વેક્સિનેશન સહિતની કામગીરી અટકી પડી
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી માગણીઓ સ્વીકારવા રજૂઆત
ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને સમયાંતરે અપાતી દવા અને સારવાર બંધ થઇ: 100 દિવસમાં ટીબી મુકત પ્રોજેકટ અંતર્ગત ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીને અસર
રાજયભરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 25000 કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતા ગઇકાલથી બેમુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. આજે વિશાળ રેલી યોજી કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી માંગણીઓના નિરાકરણ માટે રજુઆત કરી હતી અને ગ્રેડ-પે લે કે રહેેંગે, ખાતાકીય પરીક્ષા રદ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. આરોગ્ય કર્મચારીઓની હડતાળથી ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવા ઠપ્પ થઇ ગઇ છે. જેના કારણે છેવાડાના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ અંગે રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અશોક જોશીએ કહ્યું હતું કે અગાઉ પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા લેવાતી હતી નહી પરંતુ હવે તે ફરજીયાત કરી છે તે રદ કરવામાં આવે અને અમારી કેડરને ટેકનીકલ ગણવામાં આવે છે તો તેમાં પણ સુધારો કરવામાં આવે. આજે રાજકોટ જિલ્લાના 600 થી વધુ કર્મચારીઓ રેલી અને આવેદનમાં જોડાયા હતા. આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે અને અચોક્કસ મુદતનું એલાન કરવામાં આવ્યું છે. કર્મચારીઓની હડતાળથી ગ્રામ્ય વિસ્તારમાં સગભારની તપાસ, ડિલીવરી, રસીકરણ, 0 થી 5 વર્ષના બાળકોનું વેકસીનેશન, ગંભીર બિમારી ધરાવતા દર્દીઓનું રૂટીન ચેકઅપ, મેલેરીયાના દર્દીઓનું સર્વેલન્સ અને સારવારની કામગીરી હાલ અટકી પડી છે અને તેના કારણે દર્દીઓને ના છુટકે જિલ્લા લેવલે ધક્કા ખાવા પડી રહ્યા છે.
ઉપરાંત રાજય સરકાર દ્વારા ટીબીને જળમુળથી નાબુદ કરવા માટે 100 દિવસમાં ટીબી નાબુદી કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓને ઘરે-ઘરે જઇને યાદી તૈયાર કરવાની છે અને ત્યારબાદ જરૂરી સારવાર કરવાની છે જે કામગીરી હાલ બંધ થઇ છે. જેથી 100 દિવસમાં ટીબી નાબુદી કાર્યક્રમને અસર પડી છે. જયારે કેટલીક કામગીરી ઓનલાઇન કરવામાં આવતી હોય છે તે પણ ઠપ્પ થઇ ગઇ છે.
આરોગ્ય કર્મચારીઓની હડતાલથી ગામડાના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. તેનાથી અમને પણ દુ:ખ છે. આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા હોવાથી અમારા સૌથી નજીકના સ્વજન ગ્રામીણ વિસ્તારના દર્દીઓ છે તે હેરાન થાય તે અમને પણ પોષાય તેમ નથી જેથી સરકારે વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવું જોઇએ. તેમ આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું છે.