ગુજરાત વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ કર્યું રજૂ, કહ્યું- 78 વર્ષે પણ બનતી આવી ઘટનાઓ રોકવી જરૂરી
આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે આજે સત્રના પ્રથમ દિવસે ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું. હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કરતા કહ્યું કે, આઝાદીના 78 વર્ષે પણ બનતી આવી ઘટનાઓને રોકવી જરૂરી છે.
આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે. જેમાં સત્રના પ્રથમ દિવસે જ ગુજરાત વિધાનસભા ગૃહમાં કાળા જાદુ વિરુદ્ધ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાજ્યની તમામ બહેનોને મુખ્યમંત્રી તરફથી આ બિલ એક ભેટ છે. તમામે આ બિલને સમર્થન આપીને રાજ્યની દીકરીઓને આ બધી પ્રવૃતિઓથી બચાવે. માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ કાળા જાદુ માન્યતા પ્રમાણે ચાલે છે. અને તે દેશોમાં પણ કાયદો છે. ભારતમાં આવી બાબતો ધ્યાને આવે છે અને તેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્ત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે ઘણી જગ્યાએ અનિષ્ટ અને દુષ્ટ પ્રથા ચાલતી આવે છે. જેમાં માનવ બલિદાન, વાળથી બાંધી લટકાવવાના બનાવો, મરચાંનો ધુમાડો કરવાની કે ભૂત અને ડાકણ કાઢી આપવાના કૃત્યો, અધોરી પ્રથા અને કાળા જાદુના પ્રયોગ થતાં હોય છે.