હર્ષ સંઘવીને આગામી મુખ્યમંત્રી તરીકે રજૂ કરાયા છે: જનરેશનલ ચેન્જ સાથે ઓબીસી પર વધુ ફોકસ
ગુજરાતમાં અંતે ભાજપે નવા પ્રધાનમંડળની રચના કરી નાખી. જૂના પ્રધાનમંડળમાંથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા એટલે વિદાય થવાના જ હતા પણ તેમના સિવાય બીજા નવ પ્રધાનોને રવાના કરી દેવાયા છે. તેમના સ્થાને નવા 16 ચહેરા અને ચાર જૂના જોગીઓને સમાવીને મુખ્યમંત્રી સાથે 26 સભ્યોનું પ્રધાનમંડળ બનાવી દેવાયું છે. હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, પ્રફુલ્લ પાનેસેરિયાને રિપીટ કરાયા છે પણ એ સિવાયના બાકીનાને દરવાજો બતાવી દેવાયો છે. જૂના પ્રધાનોમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીપદ અપાયું એ વિદાય થયેલા પ્રદેશ પ્રમુખ અને હાલમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો પ્રભાવ દર્શાવે છે.
હર્ષ સંઘવી પાટીલના ખાસ માણસ છે અને તેમને નાથબ મુખ્યમંત્રીપદ આપીને ગુજરાત સરકારમાં હજુય પાટીલનો પડ્યો બોલ ઝીલાશે એવો સ્પષ્ટ સંકેત આપી દેવાયો છે. હર્ષ સંઘવીને પહેલાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી ને હવે નાયબ મુખ્યમંત્રી બનાવડાવીને પાટીલે સાબિત કર્યું છે કે, ભાજપ હાઈકમાન્ડ એટલે કે નરેન્દ્ર મોદી તેમની વાત સાંભળે છે. એક રીતે કહી શકાય કે ભાજપે જનરેશનલ ચેન્જ એટલે કે પેઢી-સંક્રમણનું ટેમ્પલેટ તૈયાર કરી દીધું છે. 2027માં ભાજપ ફરી સતા પર આવે તો હર્ષ સંઘવી મુખ્યમંત્રી બની શકે છે. માત્ર નવ ધોરણ સુધીનો તેમનો અભ્યાસ ગુજરાતમાં તેમના બુલ્ડોઝર એકશનથી ભુલાઇ ગયો છે. નવા મંત્રીમંડળમાં જીતુ વાઘાણીનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કેમ કે વાઘાણી ફેકાઈ ગયા પછી પાછા આવ્યા છે.
વાઘાણીને અમિત શાહ તરફની વફાદારી ફળી છે. સાથે સાથે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયા ફરી વળ્યા છે એ પણ ફળ્યું છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ભવ્ય વિજય મેળવીને ભાજપને આંચકો આપી દીધેલો. વિસાવદરમાં જીત્યા પછી ઈટાલિયાએ સૌરાષ્ટ્રમાં ઉપરાછાપરી સભાઓ કરવા માંડી છે. તેના કારણે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ જનઆંદોલનો કરવા માંડયાં છે. બોટાદમાં આપના નેતાઓએ કડદાના મામલે કરેલા બખેડાએ ભાજપને ચોંકાવી દીધો છે. ખેડૂતોમાં આ આંદોલન વ્યાપક ના બને એટલે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માંડયું છે.
તેના ભાગરૂૂપે જીતુ વાઘાણીને યાદ કરાયા છે. ભાજપે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધારે મહત્ત્વ આપ્યું ? તેનું કારણ પણ આપનો ડર છે. ભૂપેન્દ્ર પટેલના જૂના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ મંત્રી હતા. આ વખતે આ ? આંકડો લગભગ ડબલ કરીને નવ કરી દીધો છે. ગોપાલ ઈટાલિયા સામે સીધાં શિંગડાં ભેરવનારા મોરબીના કાંતિ અમૃતિયા અને અમરેલીના કૌશિક વેકરીયાની પસંદગી પણ સૌરાષ્ટ્રના પાટીદારોને આપ તરફ વળતા રોકવા માટે કરાઈ છે એ કહેવાની જરૂૂર નથી. આપને ખાળવા માટે સૌરાષ્ટ્રમાંથી પાટીદાર આગેવાન જયેશ રાદડિયાને પણ પ્રધાન બનાવાશે એવું લાગતું હતું પણ ભાજપે ? રાદડિયાને કોરાણે મૂક્યા છે. ગુજરાતના નવા મંત્રીમંડળમાં બે-ત્રણ બાબતો ઊડીને આંખે વળગે એવી છે. પહેલી વાત એ કે, પાટીદારો સિવાયના સવર્ણોને -અવગણાયા છે.
કનુભાઈ દેસાઈને જાળવી રખાયા છે. હર્ષ સંઘવી જૈન છે. જ્યારે કનુભાઈ દેસાઈ અનાવિલ છે. ક્ષત્રિયોમાંથી માત્ર રીવાબા જાડેજાનો સમાવેશ કરાયો છે. બીજી તરફ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આઠ ધારાસભ્યોને પ્રધાન બનાવાયા છે. મુખ્યમંત્રીને બાદ કરો તો પાટીદાર પ્રધાનોની સંખ્યા સાત થાય છે એ જોતાં એક સમયે સવર્ણોનો પક્ષ ગણાતો ભાજપ હવે સવર્ણોને બાજુ પર મૂકીને ઓબીસી મતદારોને રીઝવવા -તરફ વળી રહ્યો છે એ સ્પષ્ટ છે. જયાં સુધી મુળ કોંગ્રેસીઓને લાગે વળગે છે ત્યાં સુધી માત્ર કુંવરજી બાવળીયાને જાળવી રખાયા છે. જયારે મોડેથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડીયાને કેબિનેટ મંત્રી બનાવાયા છે. કુંવરજી પાસેથી જળસંપત્તિ- સિંચાઇ વિભાગ લઇ તેમની પાંખો કાપી લેવામાં આવી છે. જયારે મોઢવાડીયાને વન-પર્યાવરણ ખાતું આપી તેમને ઉડવાની તક જ નથી અપાઇ. બાકીના પક્ષપલ્ટાએ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરને વેઇટીગ લિસ્ટમાં રખાયા છે.